Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

પૂરક પરીક્ષાઃ ધો.૧ર સાયન્સનું ૧પમીએ, ધો.૧૦નું ર૧મીએ પરિણામ

જેઇઇ મેઇન્સનું પરિણામ જાહેરઃ ૩ર હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

અમદાવાદ તા.૧૧ : ગુજરાત મધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માસમાં લેવાયેલ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની અંદાજિત તારીખો જાહેર થઇ છે. જાણવા મળ્યા મુજબ ધોરણ-૧ર સાયન્સનું ૧પમીએ અનેધોરણ-૧૦ નું ર૧અથવા રરમીએ પરિણામ જાહેર કરવામાં આવશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એક અને બે વિષયમાં ધોરણ-૧૦ તથા ધોરણ-૧રમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ગત મહિને પૂરક પરીક્ષા લેવાયા બાદ પરિણામ ગુજકેટની સાથે જ જાહેર કરવાની જાહેરાત કરાઇ હતી, પરંતુ ત્યાર બાદ કોઇ પણ કારણસર પરિણામ જાહેર કરાયું ન હતું. હાલમાં ટુંક સમયમાં એન્જિનિયરિંગ કોલેજ-ફાર્મસીમાં એડમિશન પ્રક્રિયા શરૂ થવાની છે. ત્યારે હજુ પણ ધો.૧ર સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર ન કરાતાં ગુુજકેટમાં સારા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી. પરંતુ હવે બોર્ડના પૂરક પરીક્ષાના પરિણામની તારીખ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી છે. ધોરણ-૧ર સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ ૧પમીએ અને ધોરણ-૧૦ ની પુરક પરીક્ષાનું પરિણામ તેના એક અઠવાડિયા પછી જાહેર થશે.

૧ અને ર સપ્ટેમ્બરે લેવાયેલી જેઇઇ મેઇન્સ પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. સવારના ૮ વાગ્યાથી જેઇઇની વેબસાઇટ Jeeady.ac.in પર પરિણામ મુકાયું છે. હવે જેઇઇ એડ્વાન્સ માટેનું રજિસ્ટ્રેશન આવતી કાલ એટલે કે ૧ર સપ્ટેમ્બરથી શરૂ થશે. જેઇઇ મેઇન્સ માટે ગુજરાતમાંથી ૩ર હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

(4:00 pm IST)