Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

માલપુરના કોઝવેના પૂરના પાણીમાં ત્રણ યુવકો તણાયા

સ્થાનિકોએ ભારે સમયસૂચકતા દાખવી દીધી : અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડતા જળાશયો અને નદી-નાળા છલકાયા : માલપુરમાં ચાર ઇંચ વરસાદ પડ્યો

અમદાવાદ, તા.૧૧ : અરવલ્લી જિલ્લાના માલપુરના કોઝ વેના પૂરના ધસમસતા પાણીમાં બાઈક સવાર ત્રણ યુવકો અચાનક તણાયા હતા. જો કે, સ્થાનિક લોકોએ ભારે સમયસૂચકતા દાખવી પાણીમાં તણાતા યુવકોને ભારે જહેમત બાદ બચાવી લીધા હતા. જેને લઇ સૌકોઇના જીવમાં જીવ આવ્યો હતો. આ ઘટના અંગેનો વીડિયો વાઈરલ થતા કોઝવેના કિનારે ઉભેલા લોકો ગાડી ઉડી ગઈ તણાઈ પકડોની બૂમો મારતા સ્પષ્ટ સંભળાઇ રહ્યું છે, જો કે, યુવકોને બચાવી લેતાં સ્થાનિક લોકોની ભારે પ્રશંસા થતી પણ જોવા મળી હતી. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા જળાશયો અને નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે અને છલકાયા છે. ખાસ કરીને માલપુર પંથકમાં ચાર ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગોરીયા ગામ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર થંભ્યો હતો.

              રાજ્યમાં મેઘરાજાએ જાણે અપાર હેત વરસાવ્યું છે. ચાલુ વર્ષે અનેક વાહનચાલકો અને લોકો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા હોવાની ઘટનાઓ સામે આવી છે. કેટલાક વાહન ચાલકો જીવન જોખમે અને અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે કોઝવે પર અને ડીપ પરથી પસાર થતા પાણીમાં વાહન નાખી રોડ પસાર કરવાનું જોખમ લેતા હોય છે. માલપુર પંથકમાં ભારે વરસાદને લઈને ગોરીયા ગામ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળતા સ્થાનિક લોકો અને વાહનચાલકો ઉભા રહી ગયા હતા. જો કે, ત્રણ લબરમૂછિયા યુવકો બાઈક પર કોઝવે પરથી પસાર થતા ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થવાનો પ્રયત્ન કરતા પાણીના વહેણમાં બાઈક સાથે ત્રણે યુવકો તણાતાં સૌકોઇના જીવ ઉંચા થઇ ગયા હતા પરંતુ તુરત જ સ્થાનિક લોકોએ ત્રણે યુવકોને બાઈક સાથે બચાવી લેતા સદનસીબે જાનહાની ટળી હતી.

(9:35 pm IST)