Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ગાંધીનગરમાં મોડી સાંજ બાદ ગાજવીજ સાથે વરસાદ: આદિવાડા વિસ્તારમાં વીજળી પડતા દુકાનોમાં તેમજ ઘરોમાં લોકોને ભારે નુકશાન: ઉપકરણો બળીને ખાખ

ગાંધીનગર:રાજ્યના પાટનગરમાં સોમવારે મોડી સાંજ બાદ ભારે વીજકડાકા અને ભડાકા વચ્ચે વરસાદ શરૂ થયો હતો. ત્યારે આ વરસાદ સમગ્ર રાત્રી દરમિયાન ચાલુ રહ્યો હતો અને મંગળવારે અવિરત ચાલુ રહેલાં વરસાદમાં શહેર સમાવિષ્ટ આદીવાડા ગામમાં વીજળી પડી હતી. ગામમાં આવેલા ઘરો અને દુકાનો ઉપર વીજળી પડવાના કારણે સ્થાનિક રહિશો ભયભીત બની ગયા હતા અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

સમગ્ર ગુજરાતમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોટાભાગના જિલ્લા પાણીથી તરબતર થઇ ગયા હોય તેમ મેઘરાજા મહેર કરી રહ્યાં છે. ત્યારે રાજ્યના પાટનગર ઉપર પણ છેલ્લા બે દિવસથી વરસાદની મોસમ તેના અંતિમ રાઉન્ડમાં પુર્ણરૂપે ખીલી હોય તેમ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે.

રવિવારથી શરૂ થયેલી વરસાદની અવિરત ગતિ મંગળવાર સુધી ચાલુ રહેતાં છેલ્લા ત્રણ દિવસમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે ઘણા વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓ પણ બની હતી. તેમાં ગાંધીનગર શહેરમાં સમાવિષ્ટ આદીવાડા ગામમાં સોમવારે રાત્રીના સમયે વીજળી ત્રાટકી હતી.

(5:52 pm IST)