Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ભાદરવી પૂનમનો મેળો : અંબાજીમાં ત્રીજા દિવસે 3.20 લાખ માઈ ભક્તોએ માઁ અંબાના દર્શન કર્યા

ચાચર ચોકમાં ભક્તિભાવ ભર્યા દ્રશ્યો : માર્ગોમાં જય અંબે.... જય અંબે.....ના જયઘોષ

અંબાજી : જગત જનનીમા અંબાના ધામ અંબાજીમાં ત્રીજા દિવસે 3.20 લાખ લોકોએ દર્શન કર્યાનો અંદાજ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોએ સેવ્યો છે. ત્રીજા દિવસે અંબાજીમાં લાલદંડા સંઘનું આગમન થતાં જ ચાચર ચોકમાં ભક્તિભાવ ભર્યા દ્રશ્યો સર્જાઈ ગયા હતા.

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ભાદરવી મહામેળાની હવે સોળે કળાએ જમાવટ થઇ રહી છે. લાખો પદયાત્રિકો દિવસ, રાત જય અંબે.... જય અંબે.....ના જયઘોષ સાથે અંબાજી ઉમટી રહ્યા છે. અંબાજી જતા તમામ રસ્તાઓ પદયાત્રિકોથી ભરચક બની રહ્યા છે. અરવલ્લીની ગિરીમાળાઓમાં નવી ચેતનાનો સંચાર થયો છે

 . અંબાજી જેમ જેમ નજીક આવે તેમ તેમ પદયાત્રિકોના જોમ, જુસ્સા અને ઉત્સાહમાં અનેક ઘણો વધારો થતો જાય છે. અંબાજી મંદિરનું શિખર અને ધજા જોઇ યાત્રિકોના આનંદનો કોઇ પાર રહેતો નથી. ઘણા યાત્રિકો ભાવવિભોર બની જતા તેમની આંખોમાં હર્ષના આંસુ અને મોં પર અજોડ ભક્તિભાવ જોવા મળે છે.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. માતાજીના દર્શન કરીને મંદિર બહાર આવતા યાત્રિકોના મોં પર આનંદ, ઉત્સાહ અને સંતોષ જોવા મળે છે. મંદિર ઉપર ધજાઓ ચડાવવાનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે. ચાચર ચોકમાં ભક્તિની ચરમ સીમા જોવા મળે છે

(1:15 pm IST)