Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સુરતમાં ભારે વરસાદના કારણે માંડવી અને કીમને જોડતા હાઇ-વે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ

સુરત તા.૧૦: સુરત જિલ્લાના માંડવી અને કીમને જોડતા સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળતા તંત્ર દ્વારા હાઇવેને બંધ કરવાની ફરજ પડી હતી. માંડવી અને કિમ સ્ટેટ હાઇવે પર ઉમરપાડામાં રાત્રી દરમ્યાન ૧૩ ઈંચ વરસાદ વરસતા આમલી ડેમ માંથી ૧૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ગોડસબા અને આંબાપારડી ગામમાં પાણી ફરી વળતા ગામના ૧૦૦થી વધુ લોકો ને વહીવટી તંત્ર દ્વારા સલામતી સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ઉમરપાડામાં રાત્રી દરમ્યાન મુશળધાર વરસાદના પગલે આમલીડેમ ઓવર ફોલો થતા સ્ટેટ હાઇવે તેમજ ગોડસબા અને આબાપાણી ગામોમાં પાણી ફરી વળ્યા હતા. માંડવીના કાછીયાબોરી,ગોડસંબા સહિતના ૩થી ચાર ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કીમનદી કાંઠાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.

સિઝનમાં સારો વરસાદ થવાને કારણે માગરોળ ખાતે આવેલી વાંકલ ભૂખીનદી બે કાંઠે થઇ હતી. ભૂખી નદીમાં મોડી રાત્રે અચાનક પાણી આવી જતા ઊંઘી રહેલા લોકો જીવ બચાવી ભાગ્યા હતા. ૧૫ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. લસકાના ખોલવડ ખાદીનો રોડ તૂટી જતા એક યુવાન તણાયો હતો. જેની ફાયરની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

(5:40 pm IST)