Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કારખાના-હીરામાં કામ કરતા તમામ લોકોના રિપોર્ટ નહીં કરાઈ : પાલિકાના પોસ્ટરથી વિવાદ

કરોડોનું હૂંડિયામણ કમાઈ આપતા હીરાઉધોગને અન્યાય કેમ ? : રત્ન કલાકાર વિકાસ સંઘ દ્વારા વિરોધ

સુરતઃકોરોનાના કેસો શોધવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટી સંખ્યામાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને તમામ કોમ્યુનિટી સેન્ટરો અને હોલમાં ટેસ્ટ થઈ રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા લગાવવામાં આવેલા એક પોસ્ટરને કારણે વિવાદ ઉભો થયો છે. તેમાં લખ્યું છે કે સુરત હીરા ઉદ્યાગના વરાછાના હીરા કારખાનામાં કરતા તમામનો ટેસ્ટ કરવામાં આવશે નહીં.સુરત હીરા ઉદ્યોગ કરોડો રૂપિયાની વિદેશી હૂંડિયામણ સરકારને કમાઈ આપે છે, ત્યારે રત્નકલાકારોને કેમ અન્યાય તેવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે.

 

સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે ને ત્યારે કોરોનાની સાઇકલ તોડવા માટે સુરતમાં ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે. જોકે મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટ કરવા માટે 750 રૂપિયા લેવામાં આવતાં હતાં, જેને લઈને ભારે માથાકૂટ થઈ હતી.પરંતુ આરોગ્ય મંત્રીની મધ્યસ્થતા બાદ પાલિકાએ ચાર્જ વસુલવાનું બંધ કરી દીધું છે. જોકે વરાછા વિસ્તારમાં હીરાના કારખાના કામ કરતા તમામ રત્ન કલાકારો નું કોરોના ટેસ્ટ કરવામાં આવશે નહીં તેવા પોસ્ટર લાગતાં વિરોધનો સુર ઉભો થયો છે. હીરા બાગ વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી સેન્ટર ખાતે આ બોર્ડ લગાવવામાં આવ્યું છે.

સુરત રત્ન કલાકાર વિકાસ સંઘ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે. સંઘના પ્રમુખ જયસુખ ગજેરા કોમ્યુનિટી સેન્ટર પહોંચ્યા હતાં અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ગજેરાએ કહ્યું છે કે,કારખાના તથા હીરામાં કામ કરતાં તમામ વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવશે નહીં. નેગેટિવ આવ્યાનો રિપોર્ટ આપવામાં નહીં આવશે.  ફક્ત પોઝિટિવનો જ રિપોર્ટ આપવામાં આવશે આવું લખાણ હીરાના કારખાનામાં કામ કરતા રત્નકલાકારો નું અપમાન કરવા સમાન છે. રત્નકલાકારો ને હંમેશા અન્યાય કરવામાં આવે છે. સરકારની યોજનાઓમાં પણ રત્નકલાકારોને કશું આપવામાં આવ્યું નથી. મહત્વનું છે કે હીરા ઉદ્યોગ કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ સરકારને કમાઈ આપે છે. ત્યારે રત્નકલાકારોને કેમ અન્યાય તે સવાલ ઉભો થાય તે સ્વાભાવિક છે.”

(3:22 pm IST)