Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

અમદાવાદ : તમામ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ

વિવિધ ક્ષેત્રોના વિશિષ્ઠ મહાનુભાવોનું પણ સન્માન : ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ જગદીશ ભાવસારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ : પત્રકારો, તબીબોનું પણ સન્માન

અમદાવાદ, તા. ૧૧ : અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં રહેતા અને શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટેના હેતુ સાથે આજે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાહપુર વિસ્તારમાં રહેતા અને જુદા જુદા ક્ષેત્રોમાં ઉલ્લેખનીય સેવા આપનાર મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ સમાચાર સેવામાં પત્રકાર તરીકે સેવા આપી રહેલા ગોપાલ રાઠોડનું પણ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તબીબી અને અન્ય ક્ષેત્રોમાં યોગદાન આપનારાઓનુ પણ સાલ ઓઢાડીને સન્માન કરાયુ હતું. શાહપુરમાં ગરનાળાની પોળ પાસે સ્થિત ભાવસાર હોલમાં આજે સવારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરીમાં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તેમજ શાહપુર યુવક મંડળના અધ્યક્ષ ડૉ. જગદીશ ભાવસારે ઉદઘાટન પ્રવચન કર્યુ હતું. જેમાં વિદ્યાર્થીઓને ખુબ મહેનત કરીને આગળ આવવા સુચન કર્યુ હતું. સાથે સાથે શિક્ષકો દ્વારા આપવામાં આવતા શૈક્ષણિક કાર્યને નિયમિત રીતે પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. જગદીશ ભાવસારે કહ્યું હતું કે, આજ વિસ્તારમાં રહીને તેઓએ અહીંના લોકોના આશીર્વાદ સાથે ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી છે.

કાર્યક્રમમાં અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને સિન્ડિકેટ મેમ્બર કૌશિકભાઈ જૈન અને એએમટીએસ કમિટીના ચેરમેન અતુલભાઈ ભાવસાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ભાવસારે મુખ્ય અતિથિ પૂર્વ સભ્ય હાયર સેકન્ડરી બોર્ડ ગુજરાત અને અધ્યક્ષ બ્રહ્મ સમાજ અમદાવાદના આર સી મહેતાનુ સ્વાગત કર્યુ હતું. તેમના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ૩૦૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

(9:31 pm IST)