Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ત્રિદિવસીય રશિયા યાત્રાએ રવાના

અમદાવાદમાં વસતા રશિયન પરિવારોએ મુખ્યમંત્રી રૂપાણીને ભાવભરી વિદાય અને શુભેચ્છા આપી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ આજે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી રશિયાની ત્રિદિવસીય યાત્રાએ જવા રવાના થયા હતા. વેપાર ઉદ્યોગ ક્ષેત્રે સંબંધો અને ભાગીદારી વધે તે આશયથી કેન્દ્રીય વાણિજય અને ઊદ્યોગ મંત્રી પિયુષ ગોયલની આગેવાનીમાં રશિયા રવાના થયેલ ડેલીગેશનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર તેમજ રાજયના મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ કમિશનર મમતા વર્મા જોડાયા છે.

આ ડેલીગેશન રશિયા રવાના થતા પૂર્વે મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, બે મહિના પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રશિયાની મુલાકાત લેવાના છે તે પહેલાં પરંપરાગત ભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત બને તે માટે આ ડેલીગેશનની મુલાકાત મહત્વની બની રહેશે.

અમદાવાદમાં વસતા રશિયન પરિવારોએ  પોતાના દેશના પ્રવાસે જતાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીને ભાવભરી વિદાય અને શુભેચ્છા આપી હતી.

(11:44 pm IST)