Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

દેશમાં દરરોજ સાડાત્રણ લાખ પીપીઇ કીટનું ઉત્પાદન

'સ્વાભિમાન, અખંડતા અને આત્મનિર્ભરતાનું પ્રતિક નવુ ભારત' વિષય પરના વેબીનારમાં કેન્દ્રીય લઘુ અને મધ્યમ ઉદ્યોગના રાજયમંત્રી પ્રતાપચંદ્ર સારંગીની છણાવટ

ગાંધીનગર : 'કોરોના મહામારી સામે સાવધાન બનવા દેરભરમાં રોજ ૩.૫ લાખ પીપીઇ કીટનું ઉત્પાદન થઇ રહ્યુ છે' તેમ કેન્દ્રીય લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજયમંત્રી પ્રતાપચંદ્ર સારંગીએ ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજીત 'સ્વાભિમાન, અખંડતા અને આત્મનિર્ભરતાના પ્રતિક સમાન નવુ ભારત' વિષય પર યોજવામાં આવેલ વેબીનારમાં છણાવટ કરતા જણાવ્યુ હતુ.

તેમણે જણાવેલ કે અમારૂ લક્ષ્ય મોટા ઉત્પાદનનું નહીં પણ લોકો દ્વારા ઉત્પદનનું છે. તેમાં હવે સફળતા મળી રહી છે. આપણે ત્યાં શરૂઆતમાં પર્સનલ પ્રોટેકશન કીટનું ઉત્પાદન થતુ ન હતુ. આજે પુરજોશમાં થાય છે તે ખુશીની વાત છે.

ભારતના ગૌરવશાળી ભુતકાળને યાદ કરતા શ્રી સારંગીએ કહેલ કે ભારત સદીઓથી એક રાષ્ટ્ર હતુ, જ્ઞાન-સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાના મામલે પણ શકિતશાળી હતુ. જ્ઞાનની વિવિધ શાખાઓ જેવી કે ખગોળ વિજ્ઞાન, ચિકિત્સા, ગણિત, સર્જરી, અર્થવ્યવસ્થા  અને એવા કઇ કેટલાય ક્ષેત્રે આપણને ગૌરવ મળ્યુ છે.

રાષ્ટ્રીય જાગરણમાં સ્વામી વિવેકાનંદની ભુમિકા સ્પષ્ટ કરતા તેમણે જણાવેલ કે વિવેકાનંદજીએ ૧૯ મી સદીના અંતિમ દશકામાં આ ભવિષ્યવાણી કરી હતી કે વીસમી સદી અમેરીકીઓની હશે અને એકવીસમી સદી આપણી હશે.

આ સદીને વધુ ઉજવળ બનાવવા સર્વોદય (મહાત્મા ગાંધી) અને અંત્યોદય (પં.દીનદયાળ)ના દર્શનમાં ઝુપડીઓ અને ગામડાઓ પર વિવેચન કરવાની જરૂર છે.

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. રમાશંકર દુબેએ આ વકતવ્યનું અધ્યક્ષસ્થાન શોભાવ્યુ હતુ. શ્રી દુબેએ રાષ્ટ્રી આંદોલનના નેતાઓ અને તેમના આત્મનિર્ભર તથા સ્વતંત્ર ભારતના સ્વપ્ન ઉપર પ્રકાશ ફેંકયો હતો.

સીયુજીના કુલસચિવ પ્રો.આલોક ગુપ્તાએ મુખ્ય વિષય પર છણાવટ કરતા જણાવેલ કે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનમાં જ આત્મનિર્ભરતા અને સ્વાભિમાનનો સમાવેશ થઇ જાય છે. નોડલ અધિકારી ડો. અતનુ મહાપાત્રાએ સ્વાગતવિધિ અને અંતમાં આભારવિધિ ઇબીએસબીના સંયોજક ડો.મીનાક્ષી પરમારે કરી હતી.

(3:23 pm IST)