Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

વર્દીમાં બહુ પાવર છે અને વડા પ્રધાનને ઉભા રાખવાની ત્રેવડ છે મારામાં, તમારામાં જે ત્રેવડ હોય તે લગાવી દેજો

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને લેડી કોન્સ્ટેબલ વચ્ચે તડાફડીનો ઓડીયો વાયરલ : સુનિતા યાદવે પોતાનું રાજીનામું ધરી દીધું

સુરત : સોશિયલ મિડીયામાં સવારથી જ વરાછા વિસ્તારમાં ફરજ બજાવતી એલ આર સુનિતા યાદવ અને રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી વચ્ચે ગઇ રાત્રે થયેલી તુંતું...મેં.મેં...નો ઓડીયો વાયરલ થયો છે. ગઇ રાત્રે વરાછા રોડ મીની હીરા બજાર ખાતે એક કારમાં માસ્ક પહેર્યા વગર પસાર થઇ રહેલા પાંચ વ્યક્તિને એલ આર સુનિતા યાદવે રોક્યા હતા અને કરફ્યુ ભંગ હેઠળ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

આ સમયે જ કારમાં રહેલા યુવાનોએ કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીને ફોન કરીને બોલાવ્યો હતો અને ત્યારે ફરજ પર હાજર લેડી કોન્સ્ટેબલ સુનિતા યાદવ અને પ્રકાશ યાદવ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

 ઓડીયોમાં સુનિતા યાદવ પ્રકાશ કાનાણીને એવુ કહેતા સંભળાય છે કે, પોલીસની વર્દીમાં બહુ પાવર છે અને વડા પ્રધાન મોદીને ઉભા રાખવાની ત્રેવડ છે મારામાં, તમારામાં જે ત્રેવડ હોય તે લગાવી દેજો, ડી.જી. પાસે નહીં વડા પ્રધાન પાસે પહોંચવાની ત્રેવડ છે મારી, મને અહીં 365 દિવસ ઉભી રાખશે એવુ તને કહેવાની સત્તા કોણે આપી, મંત્રીનો દીકરો છે તો શું થયું, એક કામ કરો મારી બદલી કરાવી દો, મારે ગાંધીનગર જવુ છે બહુ મગજમારી નથી કરવી સસ્તામાં કરાવી દેજો, કોન્સ્ટેબલ સુનિતા યાદવે આ સ્થળ પરથી જ વરાછા પી આઇ બી એન સગરને પણ ફોન કર્યો હતો.

 મંત્રીના પુત્ર સાથે થયેલી માથાકુટ બાદ આવેશમાં આવીને લેડી કોન્સ્ટેબલ સુનિતા યાદવે પોતાનું રાજીનામું ધરી દીધું હતું. તેમજ તેમાં પોતાને નોકરી ન કરવી હોવાનું કારણ દર્શાવ્યું હતું.

સુરત શહેર પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, તેમણે ઓડીયો સાંભળ્યો છે અને આ લેડી કોન્સ્ટેબલ વિરૂધ્ધ પગલા લેવામાં આવશે. બીજી તરફ લેડી કોન્સ્ટેબલે પણ એવુ જણાવ્યું હતું કે, તેમને કોઇ ધમકી આપે તો શું સાંભળી લેવાનું, મારે હવે નોકરી નથી કરવી, મને ડિપાર્ટમેન્ટમાં ત્રણ વર્ષ થયા છે.

(1:51 pm IST)