Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

કામદારોની ધીરજ ખૂટી :ઓલપાડના સાયણમાં શ્રમિકોનું ટોળું પોલીસ ચોકીએ પહોંચ્યું

પૂરતું જમવાનું નહિ મળતા વતન જવાની માંગ સાથે શમિકો રસ્તા પર ઉતરી આવ્યા : જિલ્લા પોલીસ વડા ,ડીવાયએસપી સહિતના પહોંચ્યા

સુરત જિલ્લામાં કામદારોની ધીરજ ખૂટી છે. ઓલપાડ તાલુકાના સાયણ ગામે પોલીસ ચોકી ખાતે શ્રમિકોનું ટોળું ધસી આવ્યું હતું પૂરતું જમવાનું નહીં મળતા વતન જવાની માંગ સાથે શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચી શ્રમિકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળે છે. 

 આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાતીથૈયા બાદ હવે સાયણ ગામે કામદારોની ધીરજ ખૂટી રહી છે. કામદારોનું ટોળું સાયણ પોલીસ ચોકી ખાતે ધસી આવ્યું હતું. આ કામદારોને પૂરતું જમવાનું ન મળતા તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા એટલુજ નહીં ઓનલાઈન ટિકિટ બુકિંગમાં પણ ગૂંચ આવતા શ્રમિકો રોષે ભરાયા હતા. લોકડાઉન દરમ્યાન ખાવાના ફાફા પડી રહ્યા છે. જેને લઈ ભૂખથી અકળાયેલ શ્રમિકો પોલીસ સ્ટેશન તેમજ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

  ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા, ડી વાય એસ પી તેમજ ઓલપાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી શ્રમિકોને સમજાવવાની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. મોટી સંખ્યામાં શ્રમિકોનું ટોળું જાહેર માર્ગ પર ઉતરી આવતા સોસિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

(10:18 pm IST)