Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

પાંચ મહિલા આરોગ્ય કર્મીઓ કોરોના વોરિયર્સ બની ગઈ

સંતાનોને ઘરે મુકી લોકોની સેવા માટે ખડેપગે : ૧૦૮ની ઇએમટી કર્મી તરીકે પાંચ મહિલા પોતાના બાળકને પ્રેમ કરતા પહેલા ભારતમાતાની સેવાને સમર્પિત થઇ છે

અમદાવાદ,તા.૧૧ : મે માસના બીજા રવિવારને 'આંતરરાષ્ટ્રીય મધર્સ ડે' તરીકે ઉજવાય છે. હાલમાં જ ઉજવાઈ ગયેલા આ દિન બાદ આજે  વાત કરીએ એવી માતાઓની કે જે અત્યારના કોરોના વૈશ્વિક મહામારીના સમયમાં જીવીકે-૧૦૮ એમ્બ્યુલેન્સ વાનમાં દરરોજ પોતાની ફરજ બજાવે છે. અત્યારે જ્યારે લોકોને  પોતાના ઘરોમાં રહેવાની ફરજ છે ત્યારે સાબરકાંઠામાં ૧૦૮ એમ્બ્યુલેન્સ વાનની ૫ મહિલા ઇએમટી એવી છે જે પોતાના નાના સંતાનો ને ઘરે મૂકીને લોકોની સેવા માટે ખડેપગે છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં હાલ લોકડાઉન હોવાથી આરોગ્ય કર્મિઓ દ્રારા તત્પરતાથી લોકોને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાની એવી પાંચ મહિલાઓ જે પોતાના નાના સંતાનોને ઘરે મૂકીને ૧૦૮માં ફરજ બજાવે છે. ઇડર ૧૦૮ એમ્બ્યુલેન્સ વાનમાં ફરજ બજાવતા ભૂમિબેન પટેલ જણાવે છે કે, મારે એક વર્ષિની દિકરી છે દિયા,ઘરે જતાં હાલ ડર લાગે છે. દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે.

             કોરોના વાયરસનુ ફેલાતુ સંર્ક્મણ જોઇ ડર લાગે છે, માતા છું અને  મારી દિકરી માત્ર એક વર્ષની છે. નાના બાળકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા પણ ઓછી હોય છે.  મારે રોજ કોરોનાના શંકાસ્પદ કેસો કે કોરોનાના દર્દી હોય તેઓને હોસ્પિટલ પહોંચાડવાના હોય છે. પીપીઇ કીટ પહેર્યા પછી પણ ચેપ લાગવાની સંભાવના હોવાથી હું ઘરે જઈને પહેલા સાબુથી સારી રીતે સ્નાન કરૂ છું. પછી જ મારી દિકરીને હું મારી પાસે લઉં છું. વડાલી ૧૦૮ ઇએમટી રિના ચૌધરી જણાવે છે, કે મારી દિકરી ૭ વર્ષની હોવાથી મારૂ કામ થોડુ સરળ છે. તેને હું સમજાવું કે મારી પાસે નહિ આવવાનુ, મારા થી બે મીટરનુ અંતર રાખવાનુ તો તે સમજે છે પરંતુ હું માતા છું મારી દિકરીને મારી પાસે આવવું હોય છે, પરંતુ મારી મનાઇને કારણે તે સંકોચાઇને રહી જાય છે. તેને આમ જોઇ મને પણ ઘણું દુઃખ થાય છે. કારણ કે પહેલા જ્યારે હું ડ્યુટી પૂરી કરીને ઘરે જતી તો તે તરત જ મારા ખોળામાં આવીને બેસી જતી.

(10:07 pm IST)