Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

તંત્ર આઈ.એ.એસ. અધિકારીઓ ચલાવે છેઃ રૂપાલાના વિધાનોથી રાજકીય ધણધણાટી

રાજ્ય સરકારને ટોણો ? કેન્દ્રીય મંત્રીના ઉચ્ચારણોના અનેકવિધ અર્થઘટનો : ગુજરાતની 'સચ્ચાઈ' અમે નહિ મોદી સરકારના મંત્રીએ કહી છેઃ અમિત ચાવડા

રાજકોટ, તા. ૧૧ :. કેન્દ્રના કૃષિ રાજ્યમંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી પરસોતમ રૂપાલાએ ખાંભા તાલુકાના પાર્ટીના અગ્રણી મોહનભાઈ વરીયા સાથે ફોનમાં કરેલી વાતચીત સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ છે. જેમાં તેઓ તંત્ર આઈ.એ.એસ. અધિકારીઓ ચલાવી રહ્યાનું સ્પષ્ટ કહે છે. તેમના આ શબ્દો અને અન્ય કેટલાક શબ્દોએ વહીવટી અને રાજકીય ક્ષેત્રે ધણધણાટી કરી છે. તેમના ઉચ્ચારણો રાજ્ય સરકારને ટોણારૂપ હોવાના અને શાસનકર્તાઓની વહીવટી પક્કડ સંદર્ભે હોવાના અર્થઘટન થઈ રહ્યા છે. અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી પરંતુ સુરતથી વતનમાં પાછા ફરી રહેલા લોકોને ખાંભામાં અટકાવી રખાતા મોહનભાઈએ તે બાબતે શ્રી રૂપાલાને ફોન કરેલ તે વખતની વાતચીત વાયરલ થઈ છે.

જે કથિત ઓડીયો સોશ્યલ મીડીયામા ફરી રહ્યો છે તેમાં રૂપાલા એવુ કહેતા સંભળાય છે કે આ સાવ અક્કલ વગરના છે, આપણે જે હાલ હેરાન થઈએ છે તેનુ કારણ એ છે આખુ તંત્ર આઈ.એ.એસ. ચલાવી રહ્યા છે. છાપાવાળાઓને ત્યાં મુલાકાત લેવાનુ કહો, આજુબાજુવાળાને ફરીયાદ લખીને મોકલો, અમારી આજુબાજુ આ કચરો  ભેગો કરવાનુ કોણે કહ્યુ છે ? અમારા ગામમાં કંઈ પણ થશે તો જવાબદારી તમારી રહેશે તેવા પત્રો લખાવો.

શ્રી રૂપાલાના વાયરલ ઓડીયો બાબતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને જણાવ્યુ છે કે 'ગુજરાત મે આઈ.એ.એસ.-આઈ.પી.એસ. સરકાર ચલા રહે હૈ, અફસરોમેં (લાગતા વળગતા) કોઈ અક્કલ નહિ હૈ, સુરત સે વતન આયે હુએ લોગ ગંદકી હૈ, યે સરકાર હમારી બાત નહિ સુનેગી, પ્રેસ કે લોગો કો બુલાકર છપવાવો.'

યે ગુજરાત કી સચ્ચાઈ હમ નહિ મોદી સરકાર કે મંત્રી રૂપાલા કહ રહે હૈ તેમ અમિત ચાવડાએ જણાવ્યુ છે.

(12:56 pm IST)