Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

રાજ્ય સરકાર શ્રમિકોની વહારે : ગુજરાતે પરપ્રાંતીય શ્રમિકો માટે દેશમાં સૌથી વધુ ૧૬૭ ટ્રેનો દોડાવી : મજૂરો - શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં મદદ કરી

મહારાષ્ટ્ર કરતા ત્રણ ગણી વધુ ટ્રેન ગુજરાતમાંથી રવાના : દેશમાં શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં ગુજરાત ૧૬૭ ટ્રેન સાથે પ્રથમ : મહારાષ્ટ્ર-૪૫, પંજાબ-૩૬, તેલંગાણા-૨૫, કેરળ-૨૪, રાજસ્થાન-૨૦, કર્ણાટક-૧૪, હરિયાણા-૧૧ ટ્રેનો રવાના થઇ : રવિવારે વધુ ૫૬ ટ્રેનો દોડશેઃ જે પૈકીની ૪૨ ટ્રેનો ઉત્તરપ્રદેશ, ૫ મધ્યપ્રદેશ, ૩-૩ ટ્રેનો બિહાર અને ઓડિશા તથા એક-એક ટ્રેન પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને ઝારખંડ માટે દોડાવાશે : મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આપી માહિતી

અમદાવાદ તા. ૧૧ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર શ્રમિકોની સતત ચિંતા કરી રહી છે. કોરોનાની આ મહામારીને પરિણામે લોકડાઉનની સ્થિતીમાં વતનમાં જવા ઇચ્છુક પ્રત્યેક શ્રમિકો માટે ગુજરાત સરકારે સામે ચાલીને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ તેમના વતન પહોંચાડવા માટે જરૂરી ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરી છે.દેશભરમાં રવિવારે મધરાત સુધીમાં દોડેલી કુલ ૩૬૪ પૈકીની ૧૬૭ ટ્રેનો તો એકલા ગુજરાત રાજય દ્વારા જ દોડાડવામાં આવી છે.આ દૃષ્ટિએ લગભગ ૪૬% ના હિસ્સા સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે, જેણે મહત્તમ સંખ્યામાં શ્રમિક સ્પેશિયલ અને શ્રમજીવી ટ્રેનો દોડાવીને શ્રમિકોને તેમના માદરે વતન પહોંચાડવામાં મદદ કરી છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, શ્રમિકોને તેમના વતનમાં ટ્રેન મારફતે પહોંચતા કરવામાં મુખ્યમંત્રીશ્રીએ ખુબ જ સંવેદનશીલતાથી રાજયના વહિવટીતંત્રને પ્રેરિત કર્યુ છે.

ગુજરાતમાંથી દોડાવવામાં આવેલી સૌથી વધુ સંખ્યામાં ટ્રેનો તેનો જીવતો જાગતો પુરાવો છે. ગુજરાત પછીના ક્રમે ૪૫ ટ્રેનો સાથે મહારાષ્ટ્ર, ૩૬ ટ્રેનો સાથે પંજાબ, ૨૫ ટ્રેન સાથે તેલંગાણા, ૨૪ ટ્રેન સાથે કેરળ, ૨૦ ટ્રેન સાથે રાજસ્થાન, ૧૪ ટ્રેનો સાથે કર્ણાટક અને ૧૧ ટ્રેનો સાથે હરિયાણા છે. મહારાષ્ટ્રની સરખામણીએ લગભગ ત્રણ ગણી વધુ ટ્રેનો ગુજરાત સરકાર દ્વારા દોડાવવાની કામગીરી થઇ છે, જેના દ્વારા આશરે બે લાખ શ્રમિકોને તેમના વતન સુખરૂપ પહોંચતા કરવામાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ શ્રમજીવી અને સ્પેશ્યલ શ્રમિક ટ્રેનો ઓડિશા, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ સહિતના રાજયોના શ્રમિકો માટે પૂરતી વ્યવસ્થા સાથે દોડાવવામાં આવી રહી છે.

પરપ્રાંતીય શ્રમિકો અને મજૂરો માટે જે ટ્રેનો ગુજરાત સરકાર દ્વારા દોડાવાઈ તેમાં જો રવિવારે સવારે નવ કલાકે દોડાવેલી વધુ એક ટ્રેનનો ઉમેરો કરીયે તો આ સંખ્યા ૧૬૮ ઉપર પહોંચે છે. ગઈકાલે શનિવારે કુલ ૪૨ ટ્રેનો મારફત શ્રમિકો-મજ઼દૂરોને તેમના વતનમાં મોકલવામાં આવ્યા હતા.

અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રવિવારે વધુ ૫૬ ટ્રેનો ગુજરાતના અલગ-અલગ શહેરોમાંથી રવાના કરવામાં આવશે. અમદાવાદ-સાબરમતી અને વિરમગામથી ૧૮ ટ્રેનો, સુરતથી ૧૪ ટ્રેનો, વડોદરા અને રાજકોટથી ૩-૩ ટ્રેનો તથા બાકીના અલગ-અલગ શહેરોમાંથી ટ્રેનો પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પહોંચાડવા રવાના થશે.

આજે આ વધુ ૫૬ ટ્રેનો મારફત આશરે ૬૭,૨૦૦ શ્રમિકો તેમના વતન જશે. આમ ઙ્ગઅગાઉના ૨ લાખ અને આજે રવાના થનારા શ્રમિકોની સંખ્યાને જોડી લઈએ તો કુલ લગભગ ૨.૬૮ લાખ શ્રમિકોને તેમના વતનમાં પહોંચતા કરવાની કામગીરી રાજય સરકાર મારફતે કરવામાં આવી છે.

મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું હતું કે, આજે જે ટ્રેનો સાંજ સુધીમાં રવાના થઇ રહી છે તે પૈકીની ૪૨ ટ્રેનો ઉત્તર પ્રદેશ, ૫ ટ્રેનો મઘ્ય પ્રદેશ, ૩ ટ્રેનો બિહાર, ૩ ટ્રેનો ઓડિશા તથા ૧-૧ ટ્રેન પશ્ચિમ બંગાળ, છત્ત્।ીસગઢ તથા ઝારખંડના શ્રમિકોને લઈને જશે.

(3:36 pm IST)