Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ગુજરાતમાં ૩૧ ટકા દર્દીઓ સાજા થયા, ૬ ટકાના મોતઃ ૬૩ ટકા સારવારમાં

કુલ ૮૧૯૫ દર્દીઓ પૈકી ૨૫૪૫ને રજા, ૪૯૩ મરણને શરણઃ ૫૧૫૭ દર્દીઓ સારવારમાં : ગઈકાલે ઉમેરાયેલા દર્દીઓ (૩૯૮) કરતા ડીસ્‍ચાર્જ થયેલા (૪૫૪) દર્દીઓની સંખ્‍યા વધુઃ ૩૧ દર્દીઓ વેન્‍ટીલેટર પર

રાજકોટ, તા. ૧૧ :. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્‍યાની દ્રષ્‍ટિએ બીજા નંબરના રાજ્‍ય ગણાતા ગુજરાતમાં દર્દીઓની સંખ્‍યા વધવાની સાથે સાજા થવાનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. રીકવરી દર અઠવાડીયામાં લગભગ બમણો થઈ ગયો છે. સરકારે ગઈકાલે સાંજે જાહેર કરેલ સત્તાવાર આંકડાઓનું આંકડાકીય વિશ્‍લેષણ કરતા સ્‍પષ્‍ટ થાય છે કે રાજ્‍યમાં નોંધાયેલા કુલ દર્દીઓ પૈકી ૩૧ ટકા દર્દીઓ સાજા થઈ ગયા છે. ૬ ટકા દર્દીઓના મૃત્‍યુ થયા છે. ૬૩ ટકા દર્દીઓ સારવારમાં છે. નવા દર્દીઓ ઉમેરાવાનું અને સાજા થવાનું પ્રમાણ રોજ ચાલુ રહેતુ હોવાથી રોજ આંકડા અને ટકાવારી પરિવર્તનશીલ રહે છે.

રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં કુલ ૮૧૯૫ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી સાજા થઈ જવાના કારણે ૨૫૪૫ દર્દીઓને રજા આપવામાં આવી છે. ડીસ્‍ચાર્જનો રેટ ૩૧ ટકા જેટલો થાય છે. મૃત્‍યુ પામેલા દર્દીઓની બાદબાકી કરીને બાકીનાની આંકડાકીય ટકાવારી જોતા ડીસ્‍ચાર્જ રેટ ૩૩ ટકા જેટલો થાય છે. કુલ ૪૯૩ દર્દીઓએ જીવ ગુમાવ્‍યા છે. મૃત્‍યુનું પ્રમાણ ૬ ટકા જેટલુ થાય છે. બાકીના ૬૩ ટકા એટલે કે ૫૧૫૭ દર્દીઓ સારવાર હેઠળ છે. તે પૈકી ૩૧ દર્દીઓ વેન્‍ટીલેટર પર છે. ગઈકાલ સાંજથી આજ સાંજ સુધીના આંકડા આજે સાંજે જાહેર થશે. કેન્‍દ્રની નવી ગાઈડ લાઈન અમલમાં આવતા ડીસ્‍ચાર્જનું પ્રમાણ ઘણુ વધવાની સંભાવના છે.

ગઈકાલે ૩૯૮ નવા દર્દીઓ ઉમેરાયેલ અને ૪૫૪ દર્દીઓને રજા આપવામાં આવેલ. ૧૯ માર્ચે કોરોનાનો પ્રથમ કેસ મળ્‍યા પછી નવા ઉમેરાતા દર્દીઓ કરતા ડીસ્‍ચાર્જ કરાયેલા દર્દીઓની સંખ્‍યા વધુ હોય તેવુ પહેલીવાર બન્‍યુ છે. અત્‍યાર સુધીમાં અમદાવાદમાં સૌથી વધુ ૫૮૧૮ કેસ નોંધાયા છે. તે પૈકી ૩૮૧ના મરણ થયા છે. વડોદરામાં ૫૧૮ દર્દીઓ અને ૩૧ મોત છે. સુરતમાં ૮૯૫ દર્દીઓ અને ૩૯ મોત છે. રાજ્‍યના કુલ ૮૧૯૫ દર્દીઓ પૈકી ૭૨૩૧ દર્દીઓ આ ત્રણ મહાનગરોના જ થાય છે. ચોથા ક્રમે ૧૨૯ દર્દીઓ સાથે ગાંધીનગર છે. સંખ્‍યાની દ્રષ્‍ટિએ રાજ્‍યમાં ૫મો ક્રમ ભાવનગરનો છે. જ્‍યાં ૯૪ દર્દીઓ નોંધાયા છે અને ૭ના મૃત્‍યુ થયા છે.

(12:17 pm IST)