Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

લોકડાઉન : કોંગી સભ્યએ ૨૧ બસોના ભાડા ચુકવ્યા

કોંગ્રેસ સભ્ય લલિત વસોયા લોકોની મદદે આવ્યા : તંત્રના સંકલનના અભાવે તેમના મતવિસ્તારના વતન જવાથી અટવાયેલા પરપ્રાંતીયો અને મજદુરો માટે વસોયા દોડયા

અમદાવાદ,તા.૧૦ : સુરતમાં ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા લોકડાઉનમાં હેરાન પરેશાન થતા લોકોની વ્હારે આવ્યાં. તેમણે પોતાના મતદાતાઓને વતન જવા માટે બસની વ્યવસ્થા કરી આપી. ઓનલાઈન ફોર્મ ભરવા માટે શ્રમિકોને હાલાકી પડતા મદદ ંમાટે દોડી આવ્યા હતા. કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ ૨૧ બસોના ભાડા ચૂકવ્યા હતા અને પરપ્રાંતીયો-શ્રમિકોને વતન મોકલી તંત્રને  યોગ્ય આયોજનની શીખ આપી હતી. લોકડાઉનના કારણે સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માટે રાજ્ય સરકાર દ્વારા વતન પરત ફરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી બસની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્યારે આવા સમયે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા પોતે સુરત આવી પહોચ્યાં હતા અને પોતાના મતદારોના જવા માટે બસની વ્યવસ્થા ઊભી કરી હતી. જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય એ તમામના રૂપિયા ભરવામાં આવ્યા હતા.

              લોકડાઉન વચ્ચે સુરત પહોંચેલા કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યુ હતું કે, હું બે દિવસથી સુરત આવ્યો છું કારણ કે એસટીની બસ ફાળવવાની જે વ્યવસ્થા છે તેમાં સરકારી તંત્રો વચ્ચે સંકલનનો જે અભાવ છે. ૬ તારીખથી જે બસોના પૈસા ભરાઈ ગયા છે તેમને આજની તારીખ સુધી મેસેજ આવ્યાં નથી. ચાર ચાર દિવસથી લોકો એસી બસ ડેપો અને કલેક્ટર ઓફિસે ધક્કા ખાય છે. ૨ દિવસની અંદર અમે ૨૧ ગ્રુપ બનાવીને ૨૧ બસના પૈસા એસટીમાં ભર્યા. જે પૈકી જુદી પ્રક્રિયાઓ કરીને મને ફક્ત ૩ બસ મળી છે, બાકી બસો માટે અમે હજુ પ્રયત્નો કરી રહ્યાં છીએ.

           તેમણે કહ્યું કે, અત્યારે મુખ્ય પ્રશ્ન છે કે ગઈકાલથી જે સરકારી પ્રક્રિયા હતી તેમાં સરકારે ફેરફાર કર્યો અને ઓનલાઈન કર્યુ છે. ઓનલાઈનનું ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું છે. આ આખી પ્રક્રિયા, હીરાના કારીગરો જે અંગ્રેજી ન જાણતા હોય, કોમ્પ્યુટરની મોટાભાગની દુકાનો બંધ છે, ઓનલાઈન કરવામાં પણ તકલીફ પડી રહી છે. મહત્વની વાત એ છે કે ૬, ૭ અને ૮ તારીખ સુધીમાં જે પૈસા ભરાયા છે તેમને આજની તારીખ સુધીમાં બસો ફાળવવામાં આવી નથી. બસોની સંખ્યા મર્યાદિત છે. હજારોની સંખ્યામાં લોકોએ અરજી કરી છે. જ્યારે એસટી ડેપોમાં તપાસ કરીએ તો ૩૦૦ બસ છે, કલેક્ટર ઓફિસમાં જઈએ તો કહે કે ૧૧૦૦ જણાને મંજૂરી આપી છે (જે કાલ સુધીની વાત છે). તંત્રની યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકો હેરાન થઈ રહ્યાં છે. આથી હું મારા વિસ્તારના લોકોને મદદરૂપ થવા માટે અહીં આવ્યો છું. વસોયાએ ૨૧ બસોના ભાડા ચૂકવી તેમના વિસ્તારના પરપ્રાંતીયો-શ્રમિકોને વતન મોકલવાની મદદ કરી હતી.

(9:47 pm IST)