Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ગાર્ડ હોવાનું કહીને ગઠિયાએ ૪૦ હજાર રૂપિયા તફડાવ્યા

આઇઆઇએમના પટાવાળા સાથે ઠગાઇનો બનાવ : એટીએમથી પૈસા ઉપાડવા જતાં લોકો માટે ચેતવા જેવો કિસ્સો : વસ્ત્રાપુર પોલીસની ફરિયાદ નોંધી તપાસ શરૂ

અમદાવાદ,તા. ૧૧ : એટીએમ સેન્ટરના સિક્યોરિટી ગાર્ડ હોવાનું કહીને એક ગઠિયાએ આઈઆઈએમમાં પ્યુન તરીકે ફરજ બજાવતાં યુવકના ખાતામાંથી રૂ. ૪૦ હજાર કાઢી લઇ છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, બોડકદેવની વૃંદાવન આવાસ યોજનામાં રહેતા અને આઈઆઈએમમાં પ્યૂન તરીકે કામ કરતા શિવચરણ પાસી (ઉ.વ.૪ર) ગત રવિવારે એસબીઆઈનું એટીએમ કાર્ડ લઇ વસ્ત્રાપુર લેકના શહીદચોક પાસે આવેલા એસબીઆઈના એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવા ગયા હતા. એટીએમમાં પાસવર્ડ નાખતાં પૈસા નીકળ્યા ન હતા. દરમ્યાનમાં તેમની પાછળ એક ઊભેલા એક અજાણ્યા શખ્સે એટીએમ સેન્ટરના સિક્યોરિટી ગાર્ડ હોવાનું કહીને પૈસા કાઢી આપુ તેમ જણાવ્યું હતું. જેથી શિવચરણે સંમંતિ દર્શાવી હતી, બાદમાં અજાણ્યા શખ્સે એટીએમ કાર્ડ લઇને મશીનમાં નાખ્યું હતું. દરમ્યાનમાં તેણે નજર ચૂકવી પાસવર્ડ જોઈ લીધો હતો. થોડા સમય બાદ યુવક ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર પછી ખાતામાંથી રૂ. ૪૦ હજાર ઉપડી ગયા હોવાનો મેસેજ શિવચરણના મોબાઈલમાં આવ્યો હતો. આઇઆઇએમના પ્યુનને ખ્યાલ આવી ગયો કે, તેને પૈસા ઉપાડવામાં મદદ કરનાર શખ્સ જ ઠગ હતો અને તેણે જ ખાતામાંથી રૂપિયા કાઢી લીધા છે. જેથી શિવરચરણ પાસીએ સમગ્ર બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસમથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આ કહેવાતા સિકયોરીટી ગાર્ડ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે એટીએમમાં પૈસા નથી નીકળતાં ત્યારે કેટલાક લોકો અજાણ્યા વ્યક્તિ પાસે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે મદદ માગતા હોય છે જેનો લાભ લઈ ગઠિયાઓ લોકો સાથે છેતરપિંડી આચરતા હોય છે. એટીએમમાં પૈસા ઉપાડવા જાવ ત્યારે અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ મૂકી અને તેની સામે પાસવર્ડ જાહેર કરવો જોઈએ નહીં તે ચેતવતો આ કિસ્સો છે અને તેના પરથી નાગરિકોએ બોધપાઠ લેવો જોઇએ.

(8:17 pm IST)