Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

સફાઇ કામદારોના પ્રશ્ને ૭ જુને ગાંધીનગરમાં રેલી-ધરણા : હલ ન આવે તો કામગીરી બંધ

રાજકોટ તા. ૧૧ : રાજયની ૧૬૨ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકા તેમજ સરકારી અર્ધસરકારી સંસ્થા કચેરીઓમાં ફરજ બજાવતા રોજમદાર, પાર્ટ ટાઇમ તથા કોન્ટ્રાકટ લેબરમાં કામ કરતા સફાઇ કામદારોના પ્રશ્ને અખિલ ભારતીય સફાઇ મજદુર સંઘ ટ્રેડ યુનિયન દ્વારા આગામી તા. ૭ જુનના ગાંધીનગરમાં રેલી, ધરણા અને પ્રશ્નનો હલ ન આવે તો સફાઇ કામગીરી બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારવામાં ઉચ્ચારવામાં આવી છે.

કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરવા, રોજમદાર, પાર્ટ ટાઇમ, કોન્ટ્રાકટ લેબર સફાઇ કામદારોને કાયમી કરવા, કાયમી સફાઇ કર્મચારી સ્વૈચ્છિક સેવા નિવૃત્ત થાય તો તેમના આશ્રિતને રોજગારી મળે તેવી વારસાઇ હકકવાળી યોજના અમલી બનાવવાા, ૭ મા પગાર પંચનો લાભ આપવા, શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ મકાન બનાવવા જમીન ફાળવવા, વાલ્મીકી સમાજની વાડી કે સાર્વજનિક ભવનો સરકારી ખર્ચે નિર્માણ કરી આપવા સહીતની માંગણી મુકવામાં આવી છે.

ગત તા. ૧ મે ના રોજ મુખ્યમંત્રી, મુખ્ય સચિવને આવેદનપત્ર પાઠવાયા બાદ એક માસની મુદતના અંતે હવે તા. ૭ જુનથી અચોકકસ મુદતના ધરણા, રેલી સહીતના કાર્યક્રમો અપાશે. તેમ અખિલ ભારતીય સફાઇ મજદુર સંઘ પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ પ્રેમજીભાઇ એમ. વાઘેલા (મો.૯૮૨૪૫ ૩૭૬૪૦) ની યાદીમાં જણાવાયુ છે.

(12:07 pm IST)