Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ખેડૂતોના હિત માટે રવિવારી શાકમાર્કેટ શરૂ કરવા સૂચન

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા સૂચન કરવામાં આવ્યું: મહાનગરો સહિત વિવિધ વિસ્તારમાં રવિવારી શાકમાર્કેટ શરૂ કરવા વ્યવસ્થિત આયોજન કરવાનું રૂપાણીનું સૂચન

અમદાવાદ,તા.૧૦, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાંતિજના વદરાડ ગામ ખાતે આવેલ સેન્ટર ઓફ એકસલન્સ ફોર વેજીટેબલ્સની મુલાકાત દરમિયાન આગામી સમયમાં રાજ્યના મહાનગરો સહિત વિવિધ વિસ્તારમાં રવિવારી શાક માર્કેટ શરૂ કરવાનું સુવ્યસ્થિત આયોજન કરવા કૃષિ વિભાગના સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું. વદરાડના સેન્ટર ઓફ એકસલન્સ ફોર વેજીટેબલ્સની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીએ ખેડુતો સાથે વાર્તાલાપ કર્યો હતો. ખેડુતોએ આ વેળાએ મુખ્યમંત્રીને રવિવારી શાક માર્કેટ પુનઃ શરૂ કરવા વ્યક્ત કરેલી લાગણીનો પ્રતિસાદ આપતાં આપીને ટૂંક સમયમાં આ માર્કેટનો આરંભ કરવા ધરપત આપી હતી અને સંબંધિત અધિકારીઓને આ દિશામાં સુચારૂ આયોજન કરવા સૂચન કર્યું હતું. વિજય રૂપાણીને ખેડુતોએ જણાવ્યું હતું કે, આ સેન્ટર ફોર એકસલન્સ ફોર વેજીટેબલ્સનો લાભ પ્રાંતિજ, ઈડર, વડાલી, બાયડ અને ગાંધીનગરના ખેડુતો સારી લઈ પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે. સેન્ટર ફોર એકસલન્સમાં અપાતી તાલીમથી ખેડુતોએ સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાલમાં ૧૨ લાખ ધરૂ ઉગાડી શકવાની ક્ષમતા છે તે ઉપરાંત કચ્છ ખાતે પણ આ પ્રકારનું  એકસલન્સ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમણે ભવિષ્યના આયોજનથી પણ મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. બાગાયત અધિકારી જે કે પટેલે એકસલન્સ સેન્ટરમાં પ્લગ નર્સરીમાં ઉત્પાદન કરવામાં આવતા ધરૂ અને ખેડુતો પોતાની જમીનમાં ધરૂ ઉગાડે છે, તેની વચ્ચેના ભેદની અને પ્લગ નર્સરીમાં ઉગતા ધરૂથી ખેડુતોને પાક કેમ વધારે મળે છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલી રૂપાણીએ એકસલન્સ સેન્ટરના ફુડ નર્સરી, પ્લગ નર્સરી, ગ્રીન હાઉસની મુલાકાત લીધી હતી.

(10:20 pm IST)