Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

ભાજપા પાર્ટીએ ૧૦૦૦ રેમડેસિવીરનું વિતરણ કર્યું

કાર્યાલયની બહાર લાંબી લાઈનો જોવા મળી : રાજ્યભરમાં રેમડેસિવીર માટે પડાપડી થઈ રહી છે ત્યારે ભાજપ કાર્યાલયને કઈ રીતે આટલો મોટો સ્ટોક મળ્યો?

અમદાવાદ,તા.૧૧ : સુરત- રાજ્યભરમાં કોવિડ-૧૯ની સારવાર માટે અત્યંત જરુરી એવા રેમડેસિવીર ઈંજેક્શનની અછત વર્તાઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સુરત કાર્યાલય ખાતે ૧૦૦૦ ઈંજેક્શનનું વિનામૂલ્યો વિતરણ કરવામાં આવ્યું છે. અહીં નોંધનીય બાબત એ છે કે આ વિતરણના એક દિવસ પહેલા જ રાજ્ય દ્વારા સંચાલિત ન્યુ સિવિલ હોસ્પિટલ અને સ્મિમેર હોસ્પિટલમાં ઈન્જેક્શનનો સ્ટોક પૂરો થઈ ગયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યભરમાં ઈંજેક્શનનો સ્ટોક પૂરો થઈ રહ્યો છે ત્યારે પાર્ટી આટલા માટો જથ્થામાં સ્ટોક ક્યાંથી લાવી તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. પાર્ટીના સૂત્રો દ્વારા કહેવામાં આવે છે કે જરુરતમંદ લોકોની મદદ કરવાના ઉદ્દેશથી ૫૦૦૦ ઈન્જેક્શનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

          જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી આ બાબતે જણાવે છે કે, સુરત કાર્યાલયને સરકાર દ્વારા ઈન્જેક્શન પહોંચાડવામાં નથી આવ્યા. મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં વિજય રુપાણીએ કહ્યું કે, તમારે સીઆર પાટિલને પૂછવાની જરૂર છે કે તેઓ ઈન્જેક્શન ક્યાંથી લાવ્યા. ઉલ્લેખનીય છે કે ઉધના ખાતે ભાજપ કાર્યાલયની બહાર લાંબી કતારો જોવા મળી હતી. અહીં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા હતા. એક પ્રશ્ન એ પણ ઉભો થયો છે કે, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ભલે હોય, પણ લાઈસન્સ વિના શિડ્યુલ-એચ ડ્રગને પાર્ટી પરિસરમાં કઈ રીતે વહેંચી શકાય.સુરતના કલેક્ટર ધવલ પટેલ જણાવે છે કે, શક્ય છે કે તેમણે કોઈ કેમિસ્ટ સાથે ભાગીદારી કરી હોય. આ સમગ્ર બાબતે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ગુજરાતના પાર્ટી અધ્યક્ષ સીઆર પાટિલને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, શહેરના અમુક પાસેથી ઈન્જેક્શન પ્રાપ્ત કરવામાં આવ્યા છે અને પાર્ટી દ્વારા બજાર ભાવે વહેંચવામાં આવ્યા છે. પાર્ટી ૫૦૦૦ ઈન્જેક્શનના વિતરણ માટે પ્રતિબદ્ધ હતી. સરકારી દવાખાનાઓમાં આ ઈન્જેક્શન વિનામૂલ્યે ઉપલબ્ધ છે. હોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓ તેમજ ખાનગી દવાખાનાઓમાં જ તેની અછત વર્તાઈ છે.

(7:56 pm IST)