Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

અલ્પેશ ભાજપમાં ન જોડાય તો નવી પાર્ટી બનાવશે

૨૦૨૨માં ગુજરાતના મુખ્યમંત્રી આપણે નક્કી કરશુ તે મતલબનું વિધાન સૂચક : હાલ કોંગ્રેસ સાથે છેડો ફાડી અપક્ષનું કામ શરૃઃ ભાજપને ફાયદોઃ અવનવા સમીકરણો

રાજકોટ, તા. ૧૧ :. બનાસકાંઠા જિલ્લાના રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગઈકાલે ધારાસભ્ય પદ યથાવત રાખી બાકીના કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. હાલ તૂર્ત ઠાકોર સેનાના નામે કામગીરી શરૂ કરી છે. તેમણે ભાજપમા જોડાવાનો ઈન્કાર કર્યો છે. જો તેઓ ભાજપમાં ન જોડાઈ તો ભવિષ્યમાં નવી પાર્ટી બનાવે તેવુ તેમના અત્યારના વાણી વ્યવહાર પરથી અનુમાન થાય છે. ગુજરાતમાં ત્રીજુ બળ ભૂતકાળમાં સફળ થયુ નથી અને ભવિષ્યમાં થશે કે કેમ ? તે નક્કી નથી પરંતુ અત્યારે તે દિશામાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

ગુજરાતમાં છેલ્લા બે ત્રણ વર્ષમાં અલ્પેશ ઠાકોરનો રાજકીય ઉદય થયેલ. ઠાકોર ક્ષત્રિયોને સંગઠીત કરવા તેમણે ઠાકોર સેના બનાવેલ. ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ટીકીટ આપતા તે વખતના વાતાવરણનો લાભ લઈ ધારાસભ્ય બની ગયેલ. સમય જતા કોંગ્રેસ સાથે વાંધો પડયો છે. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી સહિત તમામ હોદા પરથી રાજીનામુ આપી કોંગ્રેસ પર ઠાકોર સેનાના અપમાન અને અવગણનાના આક્ષેપો કર્યા છે.

અલ્પેશે અત્યારે બનાસકાંઠા લોકસભાના ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવારના ટેકામાં કામ શરૂ કર્યુ છે. તેઓ જાહેર પ્રચારમાં કોંગ્રેસને નિશાન બનાવી ગરીબો માટે કામ કરવાની વાત કરી રહ્યા છે. તેની કોંગ્રેસ સામેની લડાઈથી ભાજપને ફાયદો થાય તે સ્વભાવિક છે. તેમણે અત્યારે ભાજપમા જોડાવાનું ઈન્કાર કર્યો છે. રાજકારણમાં કોઈ ઈન્કાર કે એકરાર કાયમી હોતા નથી. અલ્પેશ ભવિષ્યમાં ભાજપમાં જોડાઈ તો નવાઈ નહિ અને ન જોડાઈ તો નવા રાજકીય સંગઠનની રચનાનો વિકલ્પ ખુલ્લો છે. અલ્પેશના સંભવિત ભાજપ પ્રવેશ સામે ભાજપમાં પણ અલગ અલગ મત અને મિજાજ છે. હાલ તો અલ્પેશ થકી કોંગ્રેસને થાય તેટલુ નુકશાન કરવાનો ભાજપનો ઈરાદો છે. ૨૦૨૨માં (વિધાનસભાની ચૂંટણી) આપણે ગુજરાતના મુખ્યમંત્રી નક્કી કરશું તે મતલબનુ તેમનુ વિધાન ઘણુ કહી જાય છે. ગરીબ લોકોના કલ્યાણનો મુદ્દો આગળ ધરી અલ્પેશ ભવિષ્યમાં સામાજીક સંગઠનનો રાજકીય સંગઠન બનાવવામાં ઉપયોગ કરે તેવી શકયતા નકારાતી નથી. ભાજપ-કોંગ્રેસનો વિકલ્પ બનવા નવુ બળ ઉભુ કરવાની તેમની ક્ષમતા હોવાનુ તેમના ટેકેદારોનુ કહેવુ છે. રાજકારણમાં સમય સંજોગો મુજબ આખરી નિર્ણય થતા હોય છે

(3:47 pm IST)