Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

મતદાન સવારે પ.૩૦ વાગ્યે શરૂ થઇ જશે ! : પ્રથમ ૧II કલાક 'નકલી' મતદાન

ઇ.વી.એમ. અને વીવીપેટ બરાબર ચાલતા હોવાની ખરાઇ કરવા 'મોક પોલ'ના સમયમાં અડધી કલાકનો વધારો : દરેક મતદાન મથકમાં ઉમેદવારોના પ્રતિનિધીઓની હાજરીમાં પ૦-પ૦ મત નાખીને ચકાસણી કરાશે : તે મત ગણતરીમાં લેવાશે નહિ : મતદાન પુરૂ થયા બાદ વીવીપેટની બેટરી કાઢી લેવા ચૂંટણી પંચની સૂચના

રાજકોટ, તા. ૧૧ :  ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે અને ધારાસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ર૩ એપ્રિલે મતદાન છે. મતદારો માટે મતદાનનો સમય સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધીનો છે, પરંતુ મત મશીન અને વીવીપેટ સવારે પ.૩૦ વાગ્યાથી શરૂ થઇ જશે. ચૂંટણી પંચે મોક પોલ (નકલી ચૂંટણી) માટેના સમયમાં અડધી કલાકનો વધારો કર્યો છે. દર વર્ષે વાસ્તવિક મતદાન શરૂ થતા પૂર્વે ૧ કલાકે મોક પોલનો પ્રારંભ કરવામાં આવતો પરંતુ આ વખતે મોક પોલનો સમય ૧II કલાકનો થઇ ગયો હોવાથી પ.૩૦ વાગ્યે મોક પોલ શરૂ થશે. પ્રથમ ૧II કલાક મશીનની ખરાઇ માટે નકલી મતદાન પ્રક્રિયા ચાલશે.

મત મશીન અને વીવીપેટ બરાબર ચાલે છે કે નહીં તેની ટેકનીકલ દ્રષ્ટિએ ખરાઇ કરવા માટે મતદાન શરૂ થતા પૂર્વે મોક પોલ જરૂરી છે. ઉમેદવારો અથવા તેના પ્રતિનિધીઓ અને અધિકારીઓની હાજરીમાં પ૦-પ૦ મત નાંખી ચકાસણી કરવામાં આવશે. ઇવીએમનાં મત અને વીવીપેટની ચબરખીની ખરાઇ કરાશે. જો ઇવીએમ કે વીવીપેટમાં કંઇ ગરબડ જણાય તો તુરંત બદલી નાખવામાં આવશે. મુકત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પરનો વિશ્વાસ વધારવા માટે ચૂંટણી પંચે મોક પોલના સમયમાં વધારો કર્યો છે. મોક પોલ બાદ તે મત રદ કરી નાંખવામાં આવશે. મોક પોલની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ૭ વાગ્યાથી મતદારો માટે મતદાન પ્રક્રિયા શરૂ થશે. મોક પોલના  સમયમાં વધારો થવાથી કર્મચારીઓએ મોડામાં મોડા સવારે પ.૩૦ વાગ્યા સુધીમાં ફરજ પર કાર્યરત થઇ જવું પડશે. ચૂંટણી કામગીરીમાં રોકાયેલો

સ્ટાફ આગલા દિવસે સાંજે સુધીમાં જે તે મતદાન મથક ઉપર પહોંચી જતો હોય છે પરંતુ આ વખતે સવારે પ.૩૦ વાગ્યે કામગીરી શરૂ થઇ જતી હોવાથી સ્ટાફે વહેલા ઉઠવું પડશે.

આ વખતે ચૂંટણીમાં નવા ઇવીએમ અને વીવીપેટ લગાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે વીવીપેટમાં બેટરી યથાવત રાખવામાં આવતી હોય છે પરંતુ આ વખતે મતદાન પ્રક્રિયા પુરી થઇ જાય અને બંને મશીન નિયત સ્થળે પહોંચાડવામાં આવે તે વખતે વીવીપેટમાંથી બેટરી કાઢી લેવાની ચૂંટણી પંચે સૂચના આપી છે. મત ગણતરી વખતે વીવીપેટ ખોલવામાં આવે ત્યારે તેમાં બેટરીની જરૂર પડતી નથી. બેટરી ઉતરી જવાની અથવા બેટરીનાં કારણે તણખો ઝરવાથી રીસીવીંગ સેન્ટરમાં આગ જેવો કોઇ અકસ્માત બનવાની સંભાવનાને ટાળવા માટે બેટરી અગાઉથી જ કાઢી લેવાની સૂચના આવ્યાનું માનવામાં આવે છે.

(3:32 pm IST)