Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

સુરતમાં પિસ્તોલની અણીએ જવેલર્સશોપમાંથી 1.49 લાખની મતાની ચોરી

સુરત:પરવત ગામમાં ગત બપોરે જ્વેલર્સ શોપમાં પિસ્તોલની અણીએ દાગીના- ઇમીટેશન જ્વેલરી મળી રૂ. ૧.૪૯ લાખની મત્તા લૂંટી ત્રણ લૂંટારૃ તેમના એક સાથી સાથે જે વર્ના કારમાં ભાગ્યા હતા તે મધરાતે પલસાણા બ્રિજ પાસેથી મળી આવી હતી. આ કાર એક માસ અગાઉ ગોડાદરા વૃંદાવન રો હાઉસમાંથી ચોરાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા  પ્રાપ્ત થતી વિગતો મુજબ પરવતગામ શ્યામ રો હાઉસમાં આવેલા મયુર ગોલ્ડમાં ગતબપોરે ત્રાટકેલા ત્રણ લૂંટારૃ જ્વેલર્સ રમેશભાઇ મોટારામ ચૌધરીને પિસ્તોલ  બતાવી બંધક બનાવી સોના-ચાંદીના દાગીના અને ઇમીટેશન જ્વેલરી મળી કુલ રૂ. ૧,૪૯,૫૦૦ની મત્તાની લૂંટ કરી બહાર ઉભેલી સફેદ રંગની વર્નાકાર (નં. જીજે-૫-સીએલ- ૪૭૬૦)માં તેમના સાથી સાથે ભાગી છુટયા હતા. બનાવની જાણ થતાં લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ કરી હતી.

દરમિયાન લૂંટમાં વપરાયેલી કાર મધરાતે  પલસાણા બ્રિજ પાસેથી બિનવારસી મળી આવી હતી. પોલીસે કાર કબજે કરી તપાસ કરતા અંદરથી કોઇ વસ્તુ મળી ન હતી. આ કારની ચોરી એક માસ અગાઉ ૧૦ માર્ચના રોજ ગોડાદરા  વૃંદાવન રો-હાઉસમાંથી થઇ હતી. કાપડની દુકાનમાં નોકરી કરતા કારના માલિક જીતેન્દ્ર  બડગુજરે આ અંગે બીજા દિવસે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

ગતરોજ જ્યારે લૂંટારૃઓએ દુકાનનું શટર બંધ કર્યું ત્યારે  આજુબાજુના દુકાનદારો કંઇક અમંગળની આશંકાએ એકત્ર થઇ ગયા હતા. લૂંટારૃઓ  લૂંટ  કરી શટર ખોલી બહાર નીકળ્યા ત્યારે દુકાનદારોએ તેમને રોકવા કોશિષ કરી હતી પરંતુ લૂંટારૃઓ પિસ્તોલ બતાવી ધમકી આપી કારમાં ભાગી છુટયા હતા.

(8:05 pm IST)