Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

PAASમાં ભંગાણના એંધાણ : પોલીસ નહિ અમે જ અમારા પાટીદાર સમાજની યુવતીઓની રક્ષા કરીશું: પાસમાં નેતાપુજનનું મહત્વ નહિ રહે : દિલીપ સાબવાએ નવા જુથની રચના કરી

રાજકોટ , તા., ૧૧: પાસના કન્વીનર હાર્દિક પટેલ જુથના બોટાદના પાસ કન્વીનર દિલીપ સાબવાએ પાટીદાર સુરક્ષા સેનાની રચના કરી છે. જેમાં પોલીસ નહિ પરંતુ અમે જ અમારા સમાજની યુવતીઓની રક્ષા કરીશું અને આ સેના બજરંગ દળના પગલે ચાલીને આગળ વધશે તેમ દિલીપ સાબવાએ જણાવ્યું હતું.

હાર્દિક પટેલ હાલ પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો સાથે મધ્ય પ્રદેશના પ્રવાસે છે ત્યારે PAAS દ્વારા રાજયમાં પોતાની જાતી અને સમાજ માટે એકિટવિઝમનો નવો રસ્તો શોધી લેવામાં આવ્યો છે. પાસના સભ્ય અને બોટાદ પાસ કમિટીના કન્વિનર દિલિપ સાબવાની આગેવાનીમાં પાટીદાર સુરક્ષા સેના(PSS)ની રચના કરવામાં આવી છે. જે રાજયમાં દરેક પાટીદાર કન્યા પાટીદાર સમાજમાં જ લગ્ન કરે અને અન્ય સમાજ કે ધર્મમાં લગ્ન ન કરે તે અંગે ધ્યાન રાકશે.

લવ જેહાદસામે કેમ્પેઇન કરતા અન્ય રાઇટવિંગ ગ્રુપ બજરંગ દળની જેવી ભાષા બોલતા પાસના સભ્ય સાબવા કહ્યું કે અમારા કાર્યકર્તાઓ તપાસ કરશે કે શું કોઈ પાટીદાર કન્યાને બીજી જ્ઞાતી કે ધર્મનો છોકરો ભોળવી રહ્યો છે અને જો જુરર જણાશે તો આવા સંબંધનો વિરોધ કરવા અમે જે તે છોકરા વિરુદ્ઘ પગલા ભરીશું.’

સાબ્વાએ કહ્યું કે, ‘આ બાબતે અમે પોલીસથી અલગ રીતે કામ કરીશું કેમ કે આ અમારા સમાજની વાત છે અને તેને પોલીસ પાસે લઈ જવાની અમને જરુર જણાતી નથી.’ આ નિર્ણય સોમવારે બોટાદ ખાતે મળેલ PAAS ચિંતન શીબિરમાં લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

એક વયસ્ક ગર્લને તેની ઇચ્છા મુજબ અન્ય સમાજના છોકરા સાથે લગ્ન ન કરવા દેવા બાબતે સાબવા કહે છે કે, ‘એવા દ્યણા બનાવ છે કે જેમાં અન્ય સમાજ કે ધર્મનો છોકરો અમારા સમાજની છોકરીને ભોળવી જાય છે અને પછી તેનું જીવન નર્ક બની જાય છે ત્યારે અમારી જવાબદારી છે કે અમારા સમાજના હિતોનું રક્ષણ કરીએ.’

આ સાથે જ સાબવાએ કહ્યું કે, ‘અમારા કાર્યકર્તાઓ પાટીદાર સમાજના યુવાનોને પણ મદદરુપ થશે. જો કોઈ પાટીદાર યુવાનને અન્ય સમાજ કે જ્ઞાતિના યુવકો પરેશાન કરતા હશે તો અમારા કાર્યકર્તાઓ યુવાનની મદદ કરશે.’

જોકે જયારે પુછવામાં આવ્યું કે આ નિર્ણયને પાસના કન્વિનર હાર્દિક પટેલે મંજૂરી આપી છે ત્યારે સાબવાએ કહ્યું કે, ‘હાલ તો હાર્દિક મધ્ય પ્રદેશના પ્રવાસે છે. તેથી તેને પુછવાનો કોઈ સવાલ ઉભો થતો નથી. હાર્દિક જેલમાં હતો ત્યારે પણ અમે અમારી લડત ચાલુ જ રાખી હતી. અમે પાસમાં છીએ અને પાસના સભ્ય તરીકે અમારી મુવમેન્ટને આગળ ચલાવીશું.’

જયારે પાસના અન્ય એક આગેવાને કહ્યું કે, ‘સાબવા પાસના એવા લોકોની આગેવાની કરી રહ્યા છે જેઓ સંગઠન ચલાવવાની હાર્દિકની સ્ટાઇલથી સહમત નથી. હવે તેણે એક નવી જ બોડીની રચના કરી છે. જોકે પાટીદારો તેમના સમાજની યુવતીઓ અંગે સંવેદનશીલ હોય સાબ્વાના આ પગલાને જરુર સમાજનું સમર્થન મળશે.’

પાસના જ એક ફાટાની આગેવાની કરતા દિલપ સાબવાએ જણાવ્યું કે હવે પાસની કોઈપણ પબ્લિક મીટિંગમાં નેતા જેવું કશું નહીં હોય. દરેક વ્યકિત સમાન છે તેથી આવી મીટિંગમાં આગેવાનો માટે કોઈ અલગ સ્ટેજ નહીં રાખવામાં આવે. સાબ્વાએ કહ્યું કે, ‘અમે અમારા આંદોલનને એક વ્યકિત કેન્દ્રીત નથી બનાવવા માગતા જેથી કરીને મીટિંગ વખતે સ્ટેજ ગોઠવવા ખર્ચવા પડતા હજારો રુપિયાના ખર્ચને અમે રોકવા માગીએ છીએ.’

(4:03 pm IST)