Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ડીસા પાલિકા પ્રમુખ તરીકેનો વિધિવત ચાર્જ ઉપપ્રમુખ કાંતિલાલ સોનીએ સંભાળી લીધો

નગરસેવકોને વિરોધ બાદ પ્રમુખ અનિશ્ચિત મુદતની રજા પર ઉતરી જતા ઉપપ્રમુખે ચાર્જ લીધો

ડીસા નગરપાલિકામાં ભાજપી નગરસેવકો અને પ્રમુખ વચ્ચે છવાયેલ આંતરિક વિખવાદના કારણે પાલિકા વિવાદોમાં સપડાઈ છે ત્યારે પાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળી અનિશ્ચિત મુદતની રજા ઉપર ઉતરી ગયા હતા ત્યારબાદ પાલિકા પ્રમુખ તરીકેનો વિધિવત ચાર્જ ઉપપ્રમુખ કાંતિલાલ સોનીએ સંભાળ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના સદસ્યો અને વેપારીઓએ ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળીના વહીવટ સામે પાલિકાના વિવિધ કમિટીના ચેરમેન સહિત ૧૩ સભ્યોએ વિરોધ દર્શાવતા મામલો ગરમાયો હતો અને તમામ પીડિત સભ્યોએ આ બાબતે મોવડી મંડળને રજુઆત કરતા મોવડી મંડળ દ્વારા તેમને રજા ઉપર ઉતરવાની ફરજ પાડી હતી. જેને લઈ પાલિકાના ઉપપ્રમુખ કાંતિલાલ સોનીએ પાલિકા પ્રમુખ તરીકેનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. જે પ્રસંગે ડીસા ભાજપ સંગઠનના હોદેદારો, ચૂંટાયેલા કોર્પોરેટર તેમજ મોટી સંખ્યામાં વેપારી ઓએ ઉપસ્થિત રહી અભિનંદન સાથે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

 જોકે છેલ્લા ત્રણ માસથી પાલિકામાં ભાજપી સદસ્યોનો આંતરીક વિખવાદ સપાટી ઉપર આવ્યો હતો અને સભ્યોની રજુઆતના પગલે ભાજપ મોવડી મંડળ દ્વારા અસંતોષની આગ ઠારવા આ નિર્ણય લેવાની ફરજ પડી હતી.

(12:28 am IST)