Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ડાકોર તેમજ દ્વારકામાં ફુલ દોલોત્સવની ભવ્ય ઉજવણી

ભગવાન ભક્તો સાથે અબીલ ગુલાલ, કેસૂડાથી રમ્યા : ડાકોર, દ્વારકા તેમજ શામળાજી ખાતે મંદિરોમાં આરતીમાં હજારો ભક્તો ઉમટ્યા : ભકિતરસ ચરમસીમાએ પહોંચ્યો

અમદાવાદ, તા.૧૧  : સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર, દ્વારકા અને શામળાજીમાં ધૂળેટીના પર્વની ભારે ધામધૂમપૂર્વક અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી તો, યાત્રાધામ શામળાજીમાં પણ રંગોત્સવની ભવ્ય ઉજવણીએ મન મોહી લીધા હતા. ડાકોર-દ્વારકામાં ફુલ દોલોત્સવની પરંપરાગત ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન પોતાના ભક્તો સાથે પરંપરાગત કલર અબીલ, ગુલાલ અને કેસૂડાથી ધૂળેટી રમ્યા હતા, જેને લઇ લાખો ભક્તો ભકિતરસમાં તરબોળ બન્યા હતા. હોળી-ધૂળેટીના પર્વના ભગવાનના વિશેષ દર્શન કરી ભકતોએ ભારે ધન્યતા અનુભવી હતી. હોળી-ધૂળેટીના પર્વની આ ભવ્યાતિભવ્ય ઉજવણી દરમ્યાન ડાકોર, દ્વારકા અને શામળાજી ખાતે લાખો શ્રધ્ધાળુઓનો ભકિતરસ જાણે ચરમસીમાએ પહોંચ્યો હતો.  ભક્તોની ભીડ હળવી થતા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ મંદિર પરિસરમાં ધુળેટીના રંગે રંગાઈ ગયા હતા.

દ્વારકાઃ આજે ધૂળેટીના દિવસે યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ ઉત્સવ ધામધુમપુર્વક ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે દ્વારકાધીશની આરતી કરવામાં આવી હતી. ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા લાખો યાત્રીકો દ્વારકા પહોંચ્યા છે. જેને લઇ ટ્રેન, બસ તેમજ ખાનગી વાહનોમાં ભીડ જોવા મળી રહી છે. દ્વારકામાં ફુલડોલ ઉત્સવ મનાવવા ભાવિક ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. દ્વારકામાં લાખો યાત્રીકો આવી પહોંચ્યા છે. ભગવાન કૃષ્ણ જ્યારે વ્રજવાસીઓ સાથે ધૂળેટી રમ્યા હતા તે જ રીતે અને તે જ ભાવથી પોતાના ભગવાન રણછોડની સાથે ધૂળેટી રમવા ભક્તો વહેલી સવારથી ડાકોર મંદિરમાં ઉમટી પડ્યા હતા. ગઇકાલે સવારે ૪-૦૦ કલાક થી ૮-૩૦ સુધી મંગળા દર્શન થયા બાદ અડધો કલાક ભગવાન ત્રણ ભોગ આરોગવા બિરાજ્યા હતા. સવારે ૯-૦૦ કલાકે દર્શન ખુલતા બાળ સ્વરૂપ શ્રીગોપાલ લાલજી મહારાજને મંદિરમાં કીર્તનની જાળીમાં સુશોભિત કરાયેલા હિંડોળા પર બિરાજમાન કરી બપોરે ૧-૦૦ વાગ્યા સુધી ફુલોથી બનાવાયેલા સુંદર ઝુલામાં ઝુલાવવામાં આવ્યા હતા.

         જે દરમ્યાન ભગવાનને હાયડા, ધાણી ,ચણા અને ખજૂરનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ઉત્તર ફાગણ નક્ષત્ર હોય તે દિવસે ડાકોર રણછોડરાયજી  અને દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં ફૂલ દોલોત્સવ ઉજવવામાં આવે છે. આંબાના પાન અને પાણી ,આસોપાલવના પાન અને વિવિધ ફુલો-ફળોથી ઝુલો શણગારવામા આવ્યો હતો. જેમાં શણગાર આરતી બાદ રણછોડજીનું બાલ સ્વરૂપ ગોપાલ લાલજી બિરાજમાન થયા હતા,જે બાદ અબીલ ગુલાલ સહિતના વિવિધ રંગો સાથે સોના અને ચાંદીની પિચકારી ભરીને ભગવાન ભક્તો સાથે ધૂળેટી રમ્યા હતા. ફુલ દોલોત્સવ દરમ્યાન  ચાર વિશિષ્ટ આરતી સાથે વિવિધ રંગોથી રણછોડજી સખી ભાવે ચાર ખેલ રમ્યા હતા અને એક ખેલ પોતે ભક્તો સાથે રમ્યા હતા.

          પાંચ ખેલ દરમ્યાન ભગવાનની પાંચ આરતી કરવામાં આવી હતી જેનો હજારો ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે કીર્તન કરવા સાથે વિવિધ રંગોથી રંગોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો. નવરંગી રંગોની છોળો ઉછરતા ભક્તો ભાવ વિભોર બની ભક્તિના રંગે રંગાયા હતા. જય રણછોડ જય રણછોડના અનહદ નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભગવાન ફૂલડોલમાં બિરાજી સોના અને ચાંદીની પિચકારીથી કેસુડાંના રંગો ભક્તો ઉપર છાટી ધૂળેટી રમ્યા હતા. લાખો ભક્તો પણ ડાકોરના માર્ગો ઉપર રામઢોલ વગાડતા નાચતા ગાતા મંદિરમાં પહોચ્યા હતા સંઘો દ્વારા ધ્વજા રોહણ કરી ભગવાન ઉપર અબીલ ગુલાલ ઉડાડી ધૂળેટી રમવામાં આવી હતી.  સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં પણ કંઇક આ પ્રકારે જ ફુલદોલોત્સવ અને શામળાજીમાં રંગોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેને લઇ આ યાત્રાધામોમાં ભકિતરસ ચરમસીમાએ પહોંચ્યો હતો.

(9:44 pm IST)