Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જળમાર્ગે જોવા ક્રુઝ બોટનું ટેસ્ટિંગ કરાયું : વડાપ્રધાન મોદી ક્રુઝ બોટ પ્રોજેકટનું લોકાર્પણ કરે તેવી સંભાવના

ક્રુઝ બોટનું ટેસ્ટિંગ માટે નર્મદા નદીમાં ઉતારવામાં આવી જેને પગલે હાલ નર્મદા નદીમાં પાણી ભરવામાં આવી રહયું છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બની ગયા બાદ હવે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીમાં જે રીતે પ્રવાસીઓને બોટ દ્વારા લઈ જવાય છે એ રીતે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જળ માર્ગે બતાવવામાં આવશે.જેના માટે શ્રેષ્ટ ભારત ભવનથી સ્ટેચ્યુ સુધીનો 6 કિલો મીટરનો જળમાર્ગ રહેશે.જેમાં અત્યાધુનિક બોટ દ્વારા પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી બતાવાશે

 .આ બોટમાં પ્રવાસીઓ માટે જલપાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.ક્રુઝ બોટમાં જવા માટે પ્રવાસીએ 350 રૂપીયાનો ખર્ચ કરવો પડશે.આ બોટમાં સિક્યુરિટી કારણો ને લીધે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પ્રવાસીને તકલીફ ના પડે એ માટે લાઈફ જેકેટ પણ આ બોટમાં હશે, અને ગરમીમાં રાહત રહે તે માટે બોટમાં પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

  સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુ સરકાર દ્વારા નવા આકર્ષણો ઉભા કરવામાં આવી રહ્યા છે.ત્યારે 11માર્ચ ના રોજ ટેસ્ટિંગ માટે નર્મદા નદીમાં ક્રુઝ બોટ ઉતારવામાં આવી હતી.જેને પગલે સરદાર સરોવર નર્મદા ડેમના ટર્બાઇનોના ડિસ્ચાર્જ પાણીનો સંગ્રહ કરી નર્મદા નદીમાં પાણીનો સંગ્રહ કરાઈ રહ્યો છે.આજ કારણોસર ગોરા પુલના બંને છેડા ડૂબી જવા પામ્યા છે.

  અત્રે એ ઉલ્લેખનીય છે કે ક્રુઝ બોટ પ્રોજેકટને લીધે જ 800 મીટર લાંબા ગોરા બ્રિજના વચ્ચેના ભાગને તોડવાની કામગીરી સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 1 માર્ચ 2020 થી ચાલુ કરવામાં આવી હતી.800 મીટરના આ પુલને વચ્ચેના ભાગેથી 70 મીટર તોડી પડાયો છે.અને ગોરા પુલના બને છેડા ડૂબી જવા પામ્યા છે. જયારે પુલની વચ્ચે 2 મોટી ગ્રીલ બનાવાઇ હોય ત્યાં થઈને ક્રુઝ બોટ જશે. 

 આગામી 21 અને 22 માર્ચે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ કોઈ પણ એક દિવસ સ્ટેચ્યુ ઓફ  યુનિટી ખાતે આવનાર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.તેઓ કેવડિયા ખાતે આવીને ક્રુઝ બોટનું લોકર્પણ કરશે એવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.તંત્ર દ્વારા વડાપ્રધાનના આગમનની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

(6:19 pm IST)