Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

અનેક વિવાદો બાદ હવે સરકારે સુધારા સાથે લોકરક્ષક દળની પરિક્ષાનું પરિણામ જાહેર કરી દીધુ

ગાંધીનગર: અનેક વિવાદ બાદ હવે સરકારે સુધારા સાથે લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધુ છે. મોડી રાતે 2 વાગે વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ પરિણામ અંગે જો કોઈ પણ વાંધો હશે તો તે માટે રજુઆત કરી શકાશે. અગાઉ એલઆરડી પરિણામ અંગે હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. પરિણામમાં ફેરફાર કરીને નવું પરિણામ જાહેર કરવામાં આવ્યું.

નોંધનીય છે કે 10મી ડિસેમ્બરે પરિણામને લઈને મહિલા ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યા હતાં. જેને લઈને હાઈકોર્ટમાં અરજી થઈ હતી. આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સરકારે 10  ડિસેમ્બરે જે પરિણામ જાહેર થયું હતું તેમા સુધારા હાથ ધરીને નવું પરિણામ જાહેર કર્યું છે.

શું હતો મામલો?

અત્રે જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018ના ઓગસ્ટ મહિનામાં પોલીસ વિભાગની એલઆરડી સંવર્ગની કુલ 9713 ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી. આ માટે 6 જાન્યુઆરી 2019ના રોજ પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. ત્યાર પછી 10 ડિસેમ્બર 2019ના રોજ સુધારા સાથેનું પરિણામ જાહેર કરાયું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોને જનરલ કેટેગરીમાંથી બહાર કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી અનામત વર્ગની મહિલાઓ ગાંધીનગરમાં ધરણા પર ઉતરી ગઈ હતી. આ મામલે બિન અનામત વર્ગની મહિલાઓ પણ આંદોલન પર ઉતરી આવી હતી.

(5:13 pm IST)