Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સુરતમાં રિક્ષામાં મુસાફરી કરતા વૃદ્ધને રીક્ષા ચાલકે સાગરિતની મદદથી ચપ્પુની અણીએ રાખી લૂંટી લેતા ફરિયાદ દાખલ

સુરત: શહેરના વેસુ વિસ્તારમાં રહેતી પુત્રીને મળવા માટે નાસિકથી ગત મળસ્કે લકઝરી બસમાં સુરત આવી સહારા દરવાજા ખાતે ઉતરેલા વૃદ્ધે વેસુ જવા રીક્ષા ભાડે કરી હતી. પરંતુ રીક્ષાચાલક અને સાગરીત તેમને વેસુને બદલે લીંબાયત મીઠીખાડી ખાતે લઈ ગયા હતા અને ચપ્પુ ગળાના ભાગે મૂકી સોનાની ચેઇન, રોકડ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.81,000 ની લૂંટ કરી હતી. વૃદ્ધે પુત્રીના ઘરે જવા માટે લૂંટારુઓ પાસે મદદ માંગતા બંને તેમને રૂ.100 આપી નંબર પ્લેટ ઉપર કપડું ઢાંકેલી રીક્ષામાં બેસી ફરાર થઈ ગયા હતા. એક મહિલાની મદદથી પુત્રીના ઘરે પહોંચેલા વૃદ્ધે નાસિકથી પુત્ર આવ્યા બાદ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મહારાષ્ટ્રના નાસિક ખાતે ત્ર્યબંક રોડ સમૃધ્ધનગરમાં રહેતા અને હાલ નિવૃત્ત જીવન ગાળતા 63 વર્ષીય નરેશભાઈ કિશનચંદ અગ્રવાલ સુરતના વેસુ ખાતે સ્ટાર ગેલેક્ષીમાં રહેતી પુત્રી મનીષા મનીષ અગ્રવાલને મળવા 9મીના રોજ લક્ઝરી બસમાં નીકળ્યા હતા અને ગત મળસ્કે સુરત પહોંચતા સહારા દરવાજા ખાતે ઉતર્યા હતા. ત્યાંથી વેસુ જવા માટે તેમણે એક રીક્ષા ભાડે કરી હતી જેમાં અગાઉથી કાળું જેકેટ પહેરેલો 25 થી 30 વર્ષનો યુવાન પાછળ બેસેલો હતો.

(5:12 pm IST)