Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

હોડી પલટવાની દુર્ઘટનામાં મૃતાંક વધીને સાત થઈ ગયો

ઉચ્છલમાં ઉકાઇ જળાશયમાં હોડી પલટી હતી : તરવૈયાઓની સહાયથી ૬ જેટલા લોકોનો આબાદ બચાવ કરાયો : હોડી દુર્ઘટનાનો જૂનો વિડિયો સપાટી ઉપર આવ્યો

અમદાવાદ,તા.૧૧ : તાપી જિલ્લાના ઉચ્છલમાં ગઇકાલે ઉકાઇ જળાશયના ફુગારામાં હોડી પલટી મારી ગઈ હતી. હોડીમાં બાળકો સહિત ૧૩ જેટલા લોકો સવાર હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા મદદ કરવામાં આવી હતી, જેમાં છ જેટલા લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે ગઇકાલે એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ અન્યોની સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ ચાલી રહી હતી. જેમાં આજે વધુ છ ના મૃતદેહ મળી આવ્યા હતા. આમ, આ દુર્ઘટનાનો કુલ મૃત્યુઆંક સાતનો થયો છે. બીજીબાજુ, દુર્ઘટના પહેલા હોડીમાં બેસતા લોકોનો વીડિયો સામે આવતાં ચકચાર મચી ગઇ હતી.હોળી-ધૂળેટીની રજાઓને લઈને લોકો ફરવાના સ્થળે જઈ રહ્યા છે. દરમ્યાન તાપી નદીની આસપાસ આવેલા સ્થળો મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામનો કોંકણી પરિવારના સભ્યો ફરવા માટે ગયા હતા. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભીસકુદ ગામ ખાતે આવેલ ઉકાઇ જળાશયના ફુગારામાં હોડીમાં ૧૩ જેટલા લોકો સવાર હતા. પિકનિક મનાવી પરત ફરતા સમયે ભારે પવનના કારણે હોડી પલટી મારી ગઈ હતી.

             જેથી બૂમાબૂમ થઈ ગઈ હતી. કિનારે હાજર લોકો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા મદદે પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ છ જેટલા લોકોનો બચાવ કરી કિનારે લાવ્યા હતા. જ્યારે ગઇકાલે એક બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આજે સ્થાનિક તરવૈયાઓની મદદથી પાણીમાં લાપતા બનેલા અન્યો છ જણાંની શોધખોળ ચાલી રહી હતી. ભારે શોધખોળના અંતે આજે તમામ ૬ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જેથી આ દુર્ઘટનાનો મૃત્યુઆંક સાતનો થતાં પંથકમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

દુર્ઘટનામાં મૃતકોની યાદી

(૧) એંજલ ડેવિડભાઇ કોંકણી (ઉ.વ. ૫)

(૨) આરાધ્યા સુકલાલ કોંકણી (ઉ.વ.૭)

(૩) અભિષેક રાજેશ કોંકણી (ઉ.વ.૧૧)

(૪) અંજના રાજેશ કોંકણી (ઉ.વ.૧૪)

(૫) વિનોદ બુધિયા કોંકણી (ઉ.વ.૧૮)

(૬) ઉર્મીલા રતુભાઈ કોંકણી (ઉ.વ.૨૦)

(૭) રાજેશ બલીરામ કોંકણી (ઉ.વ.૩૪)

(8:33 pm IST)