Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

રાજપીપળાની મધ્યમાં આવેલી રજવાડા સમયની કન્યા શાળાની હરાજી ટાણે વિવાદ : રાજપીપળાની અસ્મિતા જાળવવા પાલિકા સદસ્ય મેદાને

જિલ્લા પંચાયત નર્મદા દ્વારા જર્જરિત આ ઇમારતની હરાજી ગોઠવતા પાલિકાના સભ્ય અને પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ વિરોધ નોંધાવ્યો :જેને વિરોધ કરવો હોય એ કરે અમારી પાસે તમામ પુરાવા છે : બહાદુર વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરની મધ્યમાં આવેલી રજવાડા સમયની કન્યાશાળાની ઇમારત ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે ત્યારે ગ્રામજનો અને વાલીઓ પણ આ જર્જરિત ઇમારત છે ત્યાં નવી શાળા બનાવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા એક સમયે કન્યાશાળામાં ત્રણ શાળાઓ ચાલતી હતી અને હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા પરંતું આજે શિક્ષણ ની કથળેલી સ્થિતિ અને શાળાના ખસ્તા હાલને કારણે માંડ એક શાળા ચાલે છે.

 આજે જિલ્લા પંચાયત નર્મદા દ્વારા આ જર્જરિત ઇમારતની જાહેર હરાજી રાખવામાં આવી હતી,પરંતુ રાજપીપળા પાલિકા સદસ્ય અને પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવાએ તેનો વિરોધ દર્શાવી જણાવ્યું હતું કે આ રજવાડા સમયની ઇમારત રાજપીપળાની શાન અને અસ્મિતા છે તેને તોડવા કરતા સમારકામ કરી તેને જાળવી રાખવી જોઈએ મોદી હોય, સોનિયા ગાંધી હોય કે બચ્ચન હોય બાંધકામ તોડવા કે બાંધવા નગરપાલિકાની પરમિશન લેવીજ પડે,જેતે સમયે જિલ્લા પંચાયત દ્વારા અધૂરી દરખાસ્ત હતી જેમાં શાળાનું બાંધકામ તોડવાની દરખાસ્ત ન હતી જેથી આ હરાજી ગેરકાયદેસર છે તેવા પણ તેમને આક્ષેપ કર્યા, ઉપરાંત આગામી સમયમાં નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રમુખપદે અમે આ મુદ્દાને લઈશું અને જરૂર પડ્યે કોર્ટના દ્વાર પણ ખખડાવીશું 

 જ્યારે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને બિટીપીના બહાદુરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ કન્યાશાળા જિલ્લા પંચાયત હસ્તક છે અને મૂળ માલીક રાજવી પરિવારના શ્રી રઘુવીરસિંહ ગોહિલ છે પરિવાર દ્વારા આપાયેલી છે જેના સંબંધિત તમામ પુરાવા અમારી પાસે છે બિલ્ડીંગ જર્જરિત છે તેને ઉતારવી પડે તેમ છે અગાઉ પણ લોકો વિરોધ કરી ચુક્યા છે 

  સમારકામ માટે મૌખિક વાતો કરતા હોય પરંતુ તે કરી શક્યા ન હોય ના છૂટકે અમે ત્રીજી વાર આ મકાન ઉતારવા હરાજી કરી છે શૈક્ષણીક હેતુ માટેજ અહીં નવી બિલ્ડીંગ બનશે અને દરેકને લાભ મળશે ઉપરાંત આ બિલ્ડીંગ પુરાતત્ત્વ માં આવતી નથી જેનો પત્ર પણ લીધેલો છે જેણે વિરોધ કરવો હોય તે કરે અમારી પાસે દરેક પુરાવા છે.ત્યારે હવે એ જોવું રહ્યું કે જર્જરિત શાળા તૂટશે કે વિરોધ થતા અગાઉની માફક અટકશે..?

(4:33 pm IST)