Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ધુળેટી પર્વમાં ઉત્તર ગુજરાતના વીસનગરમાં યોજાયું ખાસડા યુદ્વ

વર્ષોથી વીસનગરમાં ધુળેટીના દિવસે ખાસડા યુદ્વ યોજાય છે અને હજારો નાગરિકો એકઠા થઇ સામસામે ખાસડા ફેંકીને નિર્દોષ આનંદ માણે છે

અમદાવાદ, તા.૧૧: ગુજરાત સહભસ્મિત આખા ભારતમાં ગઇકાલે ધુળેટી પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી અને અબીલગુલાલથી એકબીજાને રંગીને હોળીના પર્વની ઉજવણી કરી હતી ત્યારે ઉત્તર ગુજરાતના વીસનગરમાં ગઇકાલે ધુળેટી પર્વ પર ખાસડા યુદ્વ થયું હતું. આ યુદ્વ ધુળેટીની ઉજવણીના ભાગરૂપે થયું હતું અને એમાં હજારો નાગરિકોએ એકબીજા પર જુનાં જૂતાં ફેકીને ખાસડા યુદ્વ કર્યુ હતું. કોઇ પણ જાતની તકરાર વગર ખેલાતા આ ખાસડા યુદ્વમાં સમગ્ર વીસનગરના નાગરિકો નાતજાતના ભેદભાવ વગર એકઠા થઇને ખાસડા યુદ્વનો આનંદ માણ્યો હતો.

વર્ષોથી વીસનગરમાં ધુળેટીના દિવસે ખાસડા યુદ્વ યોજાય છે અને હજારો  નાગરિકો એકઠા થઇ સામસામે ખાસડાં ફેંકીને નિર્દોષ આનં  માણે છે. ખાસડું પોતાને વાગે એ માટે નાગરિકો પ્રયાસ કરે છે,  કેમ કે એવી લોકવાયકા છે કે ખાસડું વાગે તો વર્ષ સારુ જાય છે. જોકે હવે ખાસડા યુદ્વમાં જૂનાં ખાસડાંની સાથે સાથે ટમેટા, રવૈયા, રીંગણા જેવી શાકભાજી પણ ફેંકાવાની શરૂઆત થઇ છે.

વીસનગરમાં રહેતા અતુલ પટેલે કહ્યું હતું કે 'વર્ષોથી ખાસડા યુદ્વની આ પરંપરા ચાલી આવે છે. લગભગ બસો વર્ષ કરતાં વધુ વર્ષોથી અમારા ગામમાં આ ખાસડા યુદ્વ માટે નાગરિકો આખું વર્ષ જુનાં બૂટ-ચંપલ એકઠાં કરી રાખે છે. ધુળેટીના દિવસે સવારના સમયે મુખ્ય બજારમાં નાગરિકો જૂનાં ખાસડાં લઇને આવી જાય છે અને એકબીજા પર છુટ્ટાં ખાસડાં ફેંકવામાં આવે છે. પોતાને ખાસડું વાગે એવું બધા ઇચ્છે છે, કેમ કે એવી લોકવાયકા છે કે ખાસડું વાગે તો વર્ષ સારૂ જાય છે. એટલે નાગરિકો તેમને ખાસડું વાગે એની રાહ જોતા હોય છે.

(1:27 pm IST)