Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

વિજયભાઇને હટાવવાની હિલચાલ, ધારાસભ્યો નીતિન પટેલને ઇચ્છે છે

મહારાષ્ટ્રના મામલે મુખ્યમંત્રીના વિધાનનો એની જ શૈલીથી જવાબ આપતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા : બિનસચિવાલય કલાર્કની પરીક્ષા કેમ લેવાતી નથી? વહીવટ પર મુખ્યમંત્રીનો અંકુશ નથી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૧ :.. આજે વિધાનસભા ખાતે કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ કે મુખ્યમંત્રી અમારા પક્ષમાં અંદરો અંદર મતભેદ છે તેવા નિવેદન કરે છે. તેના કરતા ભાજપ પોતાનું ઘર સાચવે અમારી ચિંતા ન કરે. તેમણે વિજયભાઇને હટાવવાની હિલચાલ ચાલતી હોવાનો દાવો કર્યો છે.

ચાવડાએ વધુમાં જણાવ્યું કે ભાજપના અંદરો અંદર ઉશ્કેરાટ વધારે છે. ધારાસભ્યો ગૃહમાં કોંગ્રેસના સભ્યો બોલે છે ત્યારબાદ બહાર આવી અભિનંદન આપે છે. રાજય સભાની બે બેઠકો અમે આનંદથી જીતી જઇશું.

ભાજપના ધારાસભ્યો મુખ્યમંત્રી બદલવા જોઇએ તેવી વાતો કરે છે. મુખ્યમંત્રીના વહીવટી કંટ્રોલ નથી દિલ્હીની સુચના પ્રમાણે કામ કરે છે. પોતાના મગજની કામ નથી કરતાં. ધારાસભ્યોને પુછવામાં આવે તો સરકાર કયાંથી ચાલે છે તેની બધાને ખબર છે.

જો સરકાર સારા વહીવટનો દાવો કરતી હોય તો બિનસચિવાલય પરીક્ષાની તારીખો કેમ જાહેર કરતા નથી રાજકોટમાંથી દારૂ પકડાયેલ છે. તો મુખ્યમંત્રી એ પોતાના પક્ષને સાચવવો જોઇએ.

મુખ્યમંત્રી પોતે જાણે છે કે તેમને બદલવાની હિલચાલ ચાલે છે. ભાજપ તોડફોડની રાજનીતિ કરે છે. પણ તેમાં ફાવશે નહીં. ધારાસભ્યો તોડવા માટે શામ, દામ દંડનો ઉપયોગ કરે છે. ભાજપ કયારેય લોકશાહી પ્રણાલી પ્રમાણે કામ નથી કરતા મુખ્યમંત્રીએ હવે પોતાનું ઘર સાચવવાનો પ્રયાસ કરે બીજાની ચિંતા ન કરો મોટા ભાગના ધારાસભ્યો નીતિનભાઇ પટેલેને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. કેટલાય ભાજપના સભ્યો અમને આ વાત કરે છે. તેમ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

(3:22 pm IST)