Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

પ્રદેશ કોંગ્રેસમાં નવાજુનીના એંધાણઃ ભંગાણ પડશે? અટકળો જોરમાં

મ. પ્રદેશને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો : મુખ્યમંત્રી રૂપાણીના નિવેદનથી ખળભળાટઃ ટીવી અહેવાલો મુજબ ૧૩ કોંગી ધારાસભ્યો ભાજપના સંપર્કમાં

નવી દિલ્હી તા. ૧૧: કોંગ્રેસ શાસિત મધ્ય પ્રદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ગુજરાતમાં પણ પક્ષના નેતૃત્વ ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાત કોંગ્રેસ એકમમાં ફુટ પડી શકે છે. મ. પ્રદેશમાં કોંગ્રેસના નેતા સિંધિયાએ રાજીનામું આપતા આ માહિતિ સામે આવી છે. હકીકતે ગુજરાતમાં રાજયસભાની ૪ બેઠકો ખાલી થઇ રહી છે. જેમાંથી  ૩ ભાજપ પાસે છે જે પક્ષ ફરીથી ઇચ્છે છે આ માટે તેને ૬ કોંગી ધારાસભ્યોના ટેકાની જરૂર પડે તેમ છે. ઇન્ડીયા ટીવીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસના અનેક નારાજ ધારાસભ્યો ભાજપના નેતૃત્વના સંપર્કમાં છે.

ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી ખુદ કોંગ્રેસમાં ફુટના સંકેતો આપ્યા છે. તેમણે કહ્યું છે કે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક લડાઇ ચરમ પર છે. કોંગી નેતાઓ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે ગુજરાત કોંગ્રેસમાં ફુટ સંભવ છે. રાજયસભાની ચૂંટણી પહેેલા ગુજરાત કોંગ્રેસમાં ફુટ પડી જશે.

જો કે ભાજપ નથી ઇચ્છતું કે કોંગી ધારાસભ્યોને તોડીને સામેલ કરાય- પણ રાજયસભા માટે કોંગ્રેસનું ગણિત બગાડવા ભાજપનો પ્લાન તૈયાર છે. રિપબ્લીક ટીવીને ભાજપના સૂત્રોએ કહ્યું છે કે કોંગ્રેસ પક્ષના ૧૩ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. રાજયસભાની ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં સામેલ થઇ શકે છે.

મધ્યપ્રદેશમાં રાજકિય ઘમાસાણને પગલે ગુજરાતમાં પણ રાજકારણ ગરમાયું છે. હાલ સમગ્ર દેશની નજર મધ્યપ્રદેશના રાજકારણ ઉપર છે. મધ્યપ્રદેશમાં ભાજપે 'ઓપરેશન લોટસ' ચલાવ્યુ અને તેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જયોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપ્યું અને ભાજપના પડખે બેઠા ત્યારે ગુજરાતમાં સીએમ રૂપાણીથી લઈને કોંગ્રેસના પણ તમામ આગેવાનોએ આ અંગે પ્રતિક્રિયાઓ આપી હતી.

મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર સંકટમાં છે. જે મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. વિજય રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસમાં આંતરિક અસંતોષ છે. જેના કારણે આ સ્થિતિ ઉભી થઈ છે. જયોતિરાદિત્ય સિંધિયાએ જે નિર્ણય લીધો છે તે યોગ્ય છે.કોંગ્રેસ આંતરિક અસંતોષના કારણે તૂટી રહી છે. તેનું આ ઉદાહરણ છે

મધ્યપ્રદેશ દંગલ પર વીરજી ઠુમરની પ્રતિક્રિયા આવી હતી જેમાં તેમણે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતુ કે, ભાજપે સરકારો બનાવી ભ્રષ્ટાચારો કર્યા છે. ભાજપ ખરીદ-વેચાણ સંઘ બની ગયો છે. યસ બેંક તોડી MP ના ધારાસભ્યો તોડ્યા છે. મધ્યપ્રદેશમાં ૯ ધારાસભ્યોએ બગાવત કરી છે. ગુજરાતનો એકપણ ધારાસભ્ય તેમની સાથે નહી રહે. જો કોંગ્રેસનો ધારાસભ્ય સંપર્કમાં હોય તો નામ આપો. ભાજપમાં દ્યણો બધો વિખવાદ છે. ભાજપના જ ધારાસભ્યો અમને દ્યણુબધુ કહેતા હોય છે. ઈનામદારે ઈમાનદારી બતાવી એટલે બચી ગયા.

ભાજપ તોડફોડની રાજનીતિ કરે છે. અમારો કોઈએ સંપર્ક કર્યો નથી. અમે કયાય જવાના પણ નથી.

ભાજપ હંમેશા તોડફોડની રાજનીતિ કરે છે. વિકાસના નામે રાજયમાં મીંડુ છે. કોંગ્રેસના એકપણ ધારાસભ્યો જશે નહી. ખરીદ-વેચાણ સંદ્યમાં કોઈ જશે નહી.

(3:13 pm IST)