Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

મોડીરાત્રે LRD મહિલા ઉમેદવારોનું પરિણામ જાહેર : ત્રણ દિવસ સુધી વાંધા રજૂ કરી શકાશે

ગાંધીનગર : લોક રક્ષક દળની પરિક્ષાનું મહિલા ઉમેદવારોનું પરિણામ આખરે જાહેર કરી દેવાયુ છે બોર્ડે મંગળવારે મોડી રાત્રે જાહેર પરિણામ જાહેર કર્યું છે બોર્ડની યાદી મુજબ તારીખ તા.10/ 12/ 2019 ના રોજ આખરી સુધારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં જેમાં મહિલા (સામાન્ય) ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ન હતું. જેને ધ્યાનમાં રાખીને મહિલા ઉમેદવારોનું હંગામી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

  બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલી માહિતી પ્રમાણે હંગામી પરિણામને લીધે અગાઉ તા.10/12/2019 ના રોજ આખરી સુધારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં મહિલા SC, ST અને SEBC ઉમેદવારોનું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં ફેરફાર થવાપાત્ર છે, જેની નોંધ લેવી. ઉમેદવારો ત્રણ દિવસ સુધી વાંધા રજૂ કરી શકાશે

 યાદીમાં જણાવ્યા પ્રમાણે આ હંગામી પરિણામમાં જે કોઇ મહિલા ઉમેદવારોને વાંધો હોય તો તેઓએ તા.11/03/2020 થી તા.14/03/2020 સુધીમાં 'પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં. ગ-13, સરિતા ઉધાન પાસે, સેકટર-9, ગાંધીનગર' ખાતે કચેરી સમય દરમિયાન જરૂરી પુરાવા સાથે રૂબરૂમાં આવીને રજૂઆત કરવાની રહેશે. આ તારીખ બાદ કોઈ જ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

 હંગામી પરિણામમાં જે મહિલા ઉમેદવારોનો સમાવેશ થયેલ છે તે પૈકી જે મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી બાકીમાં છે તેઓની દસ્તાવેજ ચકાસણી ટૂંક સમયમાં કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી સમયે જે ઉમેદવારોના તમામ દસ્તાવેજો માન્ય હશે તેઓને નિમણૂક મળવાપાત્ર રહેશે, અને જે ઉમેદવારોના કોઇપણ દસ્તાવેજો અમાન્ય હશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

હંગામી પરિણામમાં મહિલા અનામત અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટ ખાતે દાખલ થયેલ દિવાની દાવાઓ SCA No. 22826/2019, SCA No. 23313/2019, SCA No.3066/2020 તેમજ અન્ય કોઇ દાખલ થયેલ દાવાઓમાં જે ચુકાદાઓ આવે તે તમામને બંધનકર્તા રહેશે.

(11:45 am IST)