Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

હોસ્પીટલમાંથી રજા મળ્યે એ પીએસઆઇની ધરપકડ થશેઃ રૂમ બહાર સશસ્ત્ર પહેરોઃ અનુપમસિંહ ગેહલોત

જુનાગઢ રહેતા મિત્રના લગ્ન માટે દમણથી દારૂ લાવ્યાનો બચાવ, પોલીસને વાત ગળે ઉતરતી નથી : દારૂના જથ્થા અંગે તલસ્પર્શી તપાસ કરીશું: વડોદરા પોલીસ કમિશ્નર સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૧૧: વડોદરામાં એક પીએસઆઇની કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત થતા અનાયાસે આઇબીમાં ફરજ બજાવતા પીએસઆઇ કૌશીક ડઢાણીયા દારૂ પીધેલી હાલતમાં ભારતીય બનાવટની ૯૯ જેટલી વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયા બાદ તેને ઇજા થઇ હોવાથી હોસ્પીટલમાં જયાં સારવાર હેઠળ છે. ત્યાંથી તે નાસી ન છુટે તે માટે સાવચેતીના પગલારૂપે વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પોલીસ ગાર્ડ પીએસઆઇના રૂમની આજુબાજુ ગોઠવી દીધા છે.

ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે પીએસઆઇ કૌશીક ડઢાણીયાને હાથમાં ફેકચર ઉપરાંત માથામાં ઇજા પહોંચી હોવાથી તેનું સ્કેનીંગ વિગેરે પ્રક્રિયા ચાલી રહી છે.  તબીબી અભિપ્રાય બાદ રજા આપવામાં આવ્યે પીએસઆઇની ધરપકડ કરવામાં આવશે.

ગાંધીનગર આઇબીમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા શખ્સની કાર ટેમ્પો સાથે અથડાતા તેની કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. પોલીસે તેની ગંભીર હાલત જોઇ સંયાજીગંજ હોસ્પીટલમાં ખસેડેલ. વાહનની તલાશી દરમિયાન દારૂની બોટલો મળી આવી હતી. બનાવની ગંભીરતા જોઇ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પીઆઇ બી.એમ.રાણાને તાકીદે સ્થળ પર મોકલી તપાસ ચાલુ કરાવી હતી.

પોલીસ સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ દમણથી દારૂનો જથ્થો લઇ ગાંધીનગર જતા પીએસઆઇ ડઢાણીયાએ પ્રાથમીક પુછપરછમાં પોતાના જુનાગઢ રહેતા મિત્રના લગ્ન પ્રસંગ માટે દારૂ લાવ્યાની હકિકત જણાવી હતી. જે બાબત પોલીસને શંકાસ્પદ લાગી રહી છે. પોલીસ આ મામલામાં તલસ્પર્શી તપાસ કરશે તેમ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે અકિલાને જણાવ્યું હતું.

(3:39 pm IST)