Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

કોંગ્રેસની ભૂંડી દશા : ૯ મહિનામાં ૬ બેઠકો ગુમાવી

કુંવરજીભાઈ, આશાબેન, જવાહર ચાવડા, સાબરિયા બાદ આજે ધારવિયાનું રાજીનામુઃ ભગાભાઈ બારડ સસ્પેન્ડ :ડીસેમ્બર ૨૦૧૭ વખતનો ૭૭નો આંકડો ૭૧ સુધી પહોંચી ગયોઃ રાજ્યસભાની ચૂંટણીમાં અસર આવશે

રાજકોટ, તા. ૧૧ :. ગુજરાતમાં ધારાસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે મેળવેલી ૭૭ બેઠકો ઘટીને ૭૧ સુધી પહોંચી ગઈ છે. છેલ્લા એક મહિનામાં ૫ ધારાસભ્યોના રાજીનામા પડયા છે. જુથવાદ અને નબળી નેતાગીરી તેમજ સામાપક્ષે ભાજપનો સત્તા સહિતનો પ્રભાવ કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામા અપાવવામાં નિમિત બન્યો છે.

ડીસેમ્બર ૨૦૧૭માં ભાજપને ૯૯ અને કોંગ્રેસને ૭૭ બેઠકો મળેલ. ભાજપે કોંગ્રેસના ધારાસભ્યો ખેંચવાની શરૂઆત જુલાઈમાં કરેલી. સૌ પ્રથમ કુંવરજીભાઈને રાજીનામુ અપાવી ભાજપમાં લીધેલ અને પેટાચૂંટણી જીતાડી હતી. ફેબ્રુઆરી ૧૯માં ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ રાજીનામુ આપી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. છેલ્લા અઠવાડીયામાં કોંગ્રેસના ધારાસભ્યો માણાવદરના જવાહર ચાવડા અને હળવદના પરસોતમ સાબરિયાએ રાજીનામુ આપી દીધેલ. આજે જામનગર ગ્રામ્યના વલ્લભભાઈ ધારવિયાએ રાજીનામુ દીધાના વાવડ છે. ૫ બેઠકો રાજીનામાથી ઘટી છે. તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડને સજાના એક કેસમાં વિધાનસભાના અધ્યક્ષે સસ્પેન્ડ જાહેર કર્યા છે.

આવતીકાલે ગુજરાતમાં કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારી મળી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામા અપાવીને ભાજપ કોંગ્રેસના નેતાઓને સત્કારતો હોય તેવી ચર્ચા જાગી છે. ૬ મહિનામાં તમામ બેઠકોમાં પેટાચૂંટણી કરવી જરૂરી છે. હજુ પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રાજીનામા આપે તેવી ભાજપને આશા છે. પેટાચૂંટણીનું પરિણામ કોંગ્રેસ તરફી આવે તો કોંગ્રેસને બેઠકોની મૂળ સંખ્યામાં કોઈ વધારો થવાનો નથી. ભાજપ માટે તો વકરો એટલો નફો જ છે.

(3:17 pm IST)