Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

સુરતમાં કતારગામના યુવકની વાતથી ભાજપના ધારાસભ્‍ય અને કાર્યકરો ઉશ્‍કેરાયાઃ માર મારીને યુવક વિરૂદ્ધ ફરિયાદ કરીને જેલની હવા ખવડાવી

સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તમામ પક્ષ તડામાર તૈયારી કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પણ ફરી સત્તા મેળવવા માટે લોકો વચ્ચે જઇને મત માંગી રહી છે. સુરતમાં કતારગામના ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયા પણ રાજકીય પાર્ટીના બેનર હેઠળ લોકો વચ્ચે પહોચ્યા હતા. આ દરમિયાન સ્થાનિકોએ ધારાસભ્યને પ્રાથમિક પ્રશ્નો અંગે કેટલાક સવાલ પૂછ્યા હતા. આ દરમિયાન રાજકીય આગેવાનોના સાગરીતોએ રજૂઆત કરનાર યુવકને ઢોર માર માર્યો હતો અને તેની સામે જ ફરિયાદ નોંધી હતી. જે બાદ યુવકને જેલમાં જવાનો વારો આવ્યો હતો.

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી તેમજ નગરપાલિકા,જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને AIMIM ચૂંટણી પ્રચારમાં લાગી ગઇ છે. 5 વર્ષ ગાયબ રહેનારા ભાજપ-કોંગ્રેસના કાર્યકરો ચૂંટણી નજીક આવતા જ લોકોની વચ્ચે મત માંગવા માટે પહોચ્યા છે. જોકે, આ દરમિયાન રાજકીય પક્ષોએ લોકોની નારાજગીનો પણ ભોગ બનવુ પડે છે. સુરતના કતારગામમાં આવેલા સિંગણપોર નજીક હરિદર્શનના ખાડા પાસે આવેલી એક સોસાયટીમાં વોર્ડ નંબર-8ની ભાજપની પેનલ તેમજ ધારાસભ્ય વિનુ મોરડિયા મત માંગવા માટે પહોચ્યા હતા.

ઉમેદવારો તેમની પાર્ટીને મત આપવા અપીલ કરી રહ્યા હતા. આ દરમિયાન સ્થાનિક યુવકે ઉમેદવારો સામે સોસાયટીના રસ્તા મામલે અનેક વખત રજૂઆત કરી હોવા છતા કામગીરી ના થઇ હોવાનું જણાવ્યુ હતું. યુવકે કહ્યુ કે, કોરોના સમયે નગરસેવકો તેમના વિસ્તારમાં ફરક્યા ના હોવાનું કહ્યુ હતું. આ સિવાય સામાન્ય લોકો માસ્ક ના પહેરે તો દંડ ફટકારવામાં આવતો હોવાની રજૂઆત કરી હતી. જ્યારે મત માંગવા આવેલા ઉમેદવારો અને ધારાસભ્યએ માસ્ક ના પહેર્યુ હોવાથી તેમણે કોણ દંડ ફટકારશે તેમ કહ્યુ હતું.

સ્થાનિક યુવકની આ વાતથી ભાજપના ધારાસભ્ય અને કાર્યકરો ઉશ્કેરાઇ ગયા હતા અને યુવકને માર માર્યો હતો અને યુવક વિરૂદ્ધ પ્રચાર દરમિયાન વિવાદ થયો હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. યુવકને પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.

(5:17 pm IST)