Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

આંદોલન સમેટાઈ જવાનો માર્ગ મોકળો : બેઠકોનો દોર

ગાંધીનગરમાં પ્રતિનિધિ મંડળની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે બેઠક : પરિપત્ર અંગે લેખિતમાં ખાતરી મળ્યા બાદ પારણા કરવા મહિલાઓ ઇચ્છુક : હજુ પણ શ્રેણીબદ્ધ દુવિધાઓ અકબંધ

અમદાવાદ, તા.૧૧ : એલઆરડી ભરતીમાં તા.--૨૦૧૮ના વિવાદીત પરિપત્રમાં સુધારો કરવાના રાજ્ય સરકારના નિર્ણય બાદ એસસી, એસટી, ઓબીસી આગેવાનોએ સરકારના હકારાત્મક અભિગમને લઇ રાજય સરકારનો આભાર પણ માન્યો હતો. ગાંધીનગરમાં છેલ્લા ૬૪ દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે ચાલતા એસસી, એસટી અને ઓબીસી સમાજના ઉગ્ર આંદોલનને સમેટી લેવાનો માર્ગ મોકળો બન્યો હતો. બીજી બાજુ મહિલાઓએ હજુ એમ પણ કહ્યું છે કે, પરિપત્રની નકલ હાથમાં આવી ગયા બાદ સમાજ સાથે બેઠક કરીને નિર્ણય લેવામાં આવશે જેથી કેટલીક દુવિધાઓ હજુ પણ રહેલી છે. વિવાદ છે કે, પહેલી ઓગસ્ટ ૨૦૧૮ના જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટેગરીમાંથી બાદ કરવામાં આવી છે જેની સામે ૬૪ દિવસથી સેંકડો મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરી રહી હતી.

        એકબાજુ, આંદોલનકારી ઉમેદવારો અને મહિલાઓમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી તો, બીજીબાજુ, બજેટ સત્ર પહેલાં ઉગ્ર આંદોલન સમેટાઇ જતાં ભાજપ સરકારે પણ રાહતનો દમ ખેંચ્યો હતો. રાજય સરકાર દ્વારા હવે આગામી દિવસોમાં સમગ્ર મામલે નવો પરિપત્ર જારી કરી સૌને ન્યાય કરવાનો પ્રયાસ થશે. તો, આંદોલનકારીઓએ સમાજના આગેવાનો સાથે પરામર્શ અને સરકાર દ્વારા લેખિતમાં ખાતરી મળ્યા બાદ પારણાં કરવાની વાત ઉચ્ચારી હતી. રાજયના એસસી,એસટી અને ઓબીસી સમાજના આગેવાનોના પ્રતિનિધિમંડળ સાથે આજે રાજયનામુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ જોડાયાહતા.

(9:51 pm IST)