Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

મહાશિવરાત્રીમાં સોમનાથ મહાદેવના ૪૨ કલાક દર્શન

૨૦મી ફેબ્રુઆરીથી ભવ્ય લોકરંગ મહોત્સવ : સોમનાથના મંદિરને ફૂલોના શણગારથી સુશોભિત કરાશે લાખો શ્રદ્ધાળુ ભકતો માટે ભંડારાનું પણ વિશેષ આયોજન

અમદાવાદ, તા.૧૧ : દેવાધિદેવ મહાદેવના પવિત્ર પર્વ મહાશિવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢની સાથે સાથે સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથમાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહાશિવરાત્રી દરમ્યાન સોમનાથ મહાદેવ મંદિર ૪૨ કલાક સુધી ખુલ્લુ રહેશે અને ભક્તો મનભરીને સોમનાથ મહાદેવના દર્શન કરી શકશે. મહાશિવરાત્રિના મહાપર્વને લઇ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં જ તા. ૨૦ ફેબ્રુઆરીથી તા.૨૩ ફેબ્રુઆરી દરમ્યાન અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતીના ઉપક્રમે ત્રિ-દિવસીય રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવ યોજાશે, જેમાં દેશના ૨૯ રાજયોના ૬૩૦ જેટલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લોક કલાકારો ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો પરિચય કરાવતી વિવિધ કૃતિઓ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ એ ભારતના બાર જ્યોર્તિલિંગમાંનું પ્રથમ જ્યોર્તિલિંગ અને અનેરૃં ઐતિહાસિક અને અનન્ય મહાત્મ્ય ધરાવતું પૌરાણિક મંદિર છે.

              મહાશિવરાત્રિ દરમ્યાન દેવાધિદેવ મહાદેવ એવા સોમનાથ મહાદેવની વિશેષ પૂજા-આરતી સહિતના કાર્યક્રમોની સાથે સાથે મંદિર અને સમગ્ર પ્રાંગણ વિસ્તારને ખાસ પ્રકારે ફુલો, લાઇટીંગ અને આકર્ષણોથી સુશોભિત કરવા ઉપરાંત સોમનાથ દાદાના દર્શનાથે આવનારા લાખો શ્રધ્ધાળુ ભકતો માટે ભોજન-પ્રસાદના ખાસ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીને લઇ સચિવ પ્રવિણ લહેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા તમામ આયોજનો અને તૈયારીઓ પર ચાંપતી નજર રખાઇ રહી છે અને સમગ્ર ઉજવણીમાં કયાંય કચાશ કે ઉણપ ના રહી જાય તેની પણ ખાસ તકેદારી રખાઇ રહી છે. મહાશિવરાત્રીએ સોમનાથ મહાદેવ મંદિરે મધ્યરાત્રીએ ૧૨-૩૦ કલાકે બીજા પહોરની આરતી થશે. ત્યારબાદ ત્રીજા પહોરની રાત્રે ૩-૩૦ અને ચોથા પહોરની આરતી સવારે ૫-૩૦ વાગ્યે થશે. મહાશિવરાત્રિના મહાપર્વને લઇ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં જ તા. ૨૦ ફેબ્રુઆરીથી તા.૨૩ ફેબ્રુઆરી દરમ્યાન અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતીના ઉપક્રમે ત્રિ-દિવસીય રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવ યોજાશે,  જેમાં ભારતના ૨૯ રાજ્યોના ૬૩૦ જેટલાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત લોક કલાકારો લોક સંસ્કૃતિની વિવિધ કૃતિઓ રજૂ કરશે. સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રીએ સવારે ૪-૦૦ વાગ્યે ખુલશે, જે તા. ૨૨ ફેબ્રુઆરી રાત્રે દસ વાગ્યે દર્શન બંધ થશે. એટલે કે મંદિર દર્શનાર્થીઓ માટે સતત ૪૨ કલાક ખુલ્લું રહેશે.

              લાખો શ્રધ્ધાળુ ભકતો મનભરીને સોમનાથ દાદાના દર્શન કરી શકશે. મહાશિવરાત્રીએ સોમનાથ મહાદેવ મંદિર ધ્વજારોહણ, ચાર પ્રહર પૂજા, મહામૃત્યુંજય જાપ, અનુષ્ઠાનો અને સંધ્યા શણગાર તથા સવારે સોમનાથ મહાદેવની પાલખી સાથેની શોભાયાત્રા, ધૂન, ભજન અને વેદમંત્રો સાથે સોમનાથ મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરશે. સમગ્ર સોમનાથ મંદિરને ફૂલોના શણગારથી સુશોભિત કરાશે. મહાશિવરાત્રી દરમ્યાન મંદિર પાસે ચાર ચાર સ્થાનો પર લાખો શ્રધ્ધાળુ ભકતો માટે ભોજન પ્રસાદ માટેના ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં વિનામૂલ્યે પ્રસાદનો લાભ મળશે. જેનું આયોજન સોમનાથ મહાદેવના ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે. બીજીબાજુ, મહાશિવરાત્રિના પર્વ અને તેની સોમનાથ મહાદેવ ખાતે ભવ્ય ઉજવણીઓને લઇ રેલ્વેમાં વધારાના કોચ જોડવા અને વિશેષટ્રેન જૂનાગઢ સોમનાથ વચ્ચેચલાવવા શ્રધ્ધાળુ ભકતોદ્વારા ભારપૂર્વકની રેલ્વે તંત્ર અને સત્તાધીશો સમક્ષ માંગણીકરાઇ છે. તો, એસ.ટી. બસ સેવા અને જિલ્લા પોલીસ તથા જિલ્લા વહીવટી તંત્ર પણ મહાશિવરાત્રિને લઇ સોમનાથ મહાદેવ ખાતે થનારી ભવ્ય ઉજવણી અને તૈયારીઓને લઇ કામગીરીમાં વ્યસ્ત બન્યા છે.

(8:58 pm IST)