Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

પ્રજાસત્તાક દિવસને લઈને નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરાયો

મહત્વના પોઇન્ટ પર જવામાં પાબંધી : . વાહનોનું તેમજ પ્રવાસીઓનું કડક હાથે પોલીસ ચેકીંગ કરાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 26 જાન્યુઆરીને લઈ સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરાયો છે. મહત્વના પોઈન્ટ પર પ્રવાસીઓ અને VIP પ્રવાસીઓને પણ નહીં જવા દેવામાં આવશે. વાહનોનું તેમજ પ્રવાસીઓનું કડક હાથે પોલીસ ચેકીંગ કરશે.

  વડોદરામાં હાલમાં જ આંતકવાદી પકડાયો હતો અને એનો છેડો ભરૂચ જિલ્લાના જંબુસર સુધી જોવા મળ્યો હતો.તેમજ પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરીને લઈને રેન્જ આઇજી દ્વારા મૌખિક સૂચના મળતા નર્મદા એસપી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ પર કડક બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.સ્ટાફનો પણ વધારો પણ કરવામાં આવ્યો છે.

  સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમના વિસ્તારની સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદરનો ભાગ જે ગેટ નંબર 3 કે જ્યાંથી સરકારી ગાડી સિવાય અન્ય કોઈ પણ ગાડીને જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમના ટનલ અને એ ફ્રેમ જ્યાં કોઈ પણ પર્વને લઇને કોઇ પણ vvip પ્રવાસીને પણ આ જગ્યાનો પાસ આપવામાં હાલ નહીં આવે સરદાર સરોવર નર્મદા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

  પોલીસ દ્વારા ૨૬મી જાન્યુઆરી સુધી આ વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવશે. હાલમાં એસ.આર.પી ગ્રુપ 18,પોલીસની અલગ અલગ ટિમ,ચેતક કમાન્ડો,હોમગાર્ડજીઆરડી ટિમ ડેમ તેમજ સ્ટેચ્યુની સુરક્ષામાં ખડે પગે કામ કરી રહી છે.

 

આ અંગે નર્મદા એસ.પી હિમકર સિંહે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમની સુરક્ષા માટે પોલીસ ટિમનો વધારો કરી દેવામાં આવ્યો છે અને જિલ્લાના ચેક પોસ્ટ પર વાહનોનું કડક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. પ્રજાસત્તાક દિનને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ પર આવતા પ્રવાસીઓનું પણ હાલ કડક હાથે ચેકીંગ કરવામાં આવશે.સાથે કોઈ અગવડ ન પડે તેનું પણ ધ્યાન રખાશે.

(9:46 pm IST)