Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિધેયક વિરોધીઓને ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આપ્યો જડબાતોડ જવાબ

આદિવાસીના ખોટા પ્રમાણપત્રો બાબતે મેં જ રજૂઆતો કરી છે પણ એક પણ આદિવાસી સંગઠને મને ટેકો કર્યો નથી:ખોટા આદિવાસીઓ આંદોલન કરે છે જ્યારે સાચા અને હકદાર આદિવાસીઓ નમાલા બનીને બેસી રહ્યા છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ વિધેયક વિધાનસભામાં પસાર કરાયો છે.એ બાદ કેવડિયા વિસ્તારના આદિવાસી ઓ એ કાયદાનો સખત વિરોધ કરી રહ્યા છે.સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક હાલ પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ પ્રોજેક્ટો પણ ચાલી રહ્યા છે.એ પ્રોજેક્ટોનો પણ આદિવાસીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે

  .હાલ સમગ્ર કેવડિયા વિસ્તારમાં વિરોધને પગલે અશાંતિનું વાતાવરણ ઉભું થયું છે,જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સતામંડળ વિધેયક વિરોધમાં 72 ગામના આદિવાસીઓએ કેવડિયા ગામ ખાતેના મંદિરમાં શાંતિ યજ્ઞનું આયોજન કર્યું હતું.10મી જાન્યુઆરીએ એ યજ્ઞની પુર્ણાહુતી હતી.જેમાં ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવા,આદિવાસી એકતા પરિષદના ડો.શાંતિકર વસાવા, ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયના સંસ્થાપક ડો.પ્રફુલ્લ વસાવા,નર્મદા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન દિનેશ તડવી સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

  આ યજ્ઞની જ્યારે શરૂઆત કરાઈ ત્યારે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. પૂર્ણાહુતિના સમયે ઉપસ્થિત આદિવાસી એકતા પરિષદ ના ડો.શાંતિકર વસાવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ વિધેયક અને આસપાસ બની રહેલા પ્રોજેક્ટોને લીધે આ વિસ્તારમાં અશાંતિ ફેલાઈ છે,લોકો પીડાઈ રહ્યા છે જેથી આ વિધેયક રદ કરવાની માંગ કરી રહ્યા છે

 .આદિવાસીઓનો કોઈ ધર્મ નથી,NRC બાદ જો આદિવાસીઓના નામની પાછળ કોઈ ધર્મ લાગે તો આદિવાસીઓની સંસ્કૃતિ નાશ પામશે.જ્યારે ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે આજે 72 ગામના આદિવાસી ઓએ હાથમાં માટી લઈ એક પ્રણ લીધી છે કે હવે અમે કોઈ જમીન આપીએ નહિ અને વિસ્થાપીત નહિ થઈએ. સરકારના વિકાસ મોડેલનો જૂઠો ખેલ આદિવાસીઓનો વિનાશ કરશે.SOU વિધેયક આદિવાસીઓ માટે ખતરારૂપ બનશે.

 

આ તમામ આગેવાનોને જડબાતોડ જવાબ આપતા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે હું સ્પષ્ટ માનું છું કે રાજકીય ક્ષેત્રે તથા સમાજના સંગઠનમાં કોઈ પણ જાતની ધાર્મિકતા ન આવવી જોઈએ.અને જો આવે તો સંગઠન કોઈ દિવસ સફળ નહીં થાય. આદિવાસીઓના હક માટે અમે કેટલી લડાઈ લડી છે એ લોકો જાણે જ છે.નર્મદા યોજનાના અસરગ્રસ્તો સંગઠિત હતા નહિ,અમે સંગઠીત કર્યા મેં મેઘા પાટકર,ફાધર જોસેફ સાથે બેઠકો પણ કરી છે.1995માં હું જ્યારે પ્રથમ વખત MLA બન્યો અને મંત્રી બન્યો ત્યારે મેડિકલ,એન્જીની- યરીંગ કોલેજમાં આદિવાસીઓની બેઠકો ભરાતી ન હતી.જેથી અન્ય લોકોથી આ બેઠક ભરવા એક ફાઈલ પર મને સહી કરવા જણાવાયું.મેં કહ્યું કે હું રાજીનામુ આપી દઈશ પણ આ ફાઇલ પર સહી નહિ કરું આ બેઠકો ભલે ખાલી રહે પણ આદિવાસીઓથીજ બેઠક ભરો.મારા અન્ય મંત્રીઓ આ બાબતથી નારાજ હતા. આદિવાસીના ખોટા પ્રમાણપત્રો બાબતે મેં જ રજૂઆતો કરી છે પણ એક પણ આદિવાસી સંગઠને મને ટેકો કર્યો નથી.ખોટા આદિવાસીઓ આંદોલન કરે છે જ્યારે સાચા અને હકદાર આદિવાસીઓ નમાલા બનીને બેસી રહ્યા છે.SOU વિધેયક અને પ્રોજેક્ટ ના વિરોધથી શુ પ્રોજેક્ટો અટકી જશે? પોતાના હક, અધિકાર માટે લડવું જોઈએ.ગુજરાતમાં જેટલા મોટા મોટા પ્રોજેક્ટો બન્યા છે એમાં આદિવાસીઓ જ ભોગ બન્યા છે. રિઝર્વ સીટ પર ચૂંટાયેલા 0MP, MLA એ આદિવાસીઓ માટે બોલવું જોઈએ અને જો ન બોલે તો એમણે રાજીનામુ આપી દેવું જોઈએ, આ માટે ખરેખર રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવવુ જોઈએ. ગુજરાત નો આદિવાસી જો સંગઠીત હોત તો આપણે જે ધારીએ એ પરિણામ લાવી શકીએ.

 
(7:46 pm IST)