Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પાદરાના ડબકાની અપહૃત કન્યાને મુક્ત કરાવાઈ:વિકૃત માનસના 35 વર્ષીય બળવંતસિંહને ઝડપી લીધો

બળાત્કારના ગુનામાં લાંબો સમય ફરાર રહ્યા બાદ બળવંતસિંહ અંપાડ ગામની સીમમાંથી ઝડપાયો: કિશોરીના અપહરણ બાદ તેની હત્યા અથવા દુષ્કર્મ કરે તેવી આશંકા હતી

વડોદરા:પાદરા તાલુકાના ડબકા ગામની ૧૧ વર્ષની કન્યાના અપહરણના બનાવમાં આખરે વિકૃત માનસ ધરાવતા ૩૫ વર્ષના યુવાનને પોલીસે અંપાડ ગામની સીમમાંથી ઝડપી પાડયો હતો. કિશોરીના અપહરણ બાદ તેની હત્યા અથવા દુષ્કર્મ કરે તેવી આશંકા હતી પોલીસ કિશોરીને હેમખેમ છોડાવવામાં સફળ રહી હતી.

  જાણવા મળતી વિગત મુજબ પાદરાના ડબકા ગામની કન્યાને લાલચ આપી ભગાડી ગયા બાદ બળવંત પાંચ દિવસથી ફેરવતો હતો ડબકા ગામે રહેતા શનાભાઇ રૃપસંગભાઇ પરમારની ૧૧ વર્ષની પુત્રી હેતલને તા.૫ જાન્યુઆરીના  રોજ ગામમાં રહેતો તેમજ કાકા તરીકે ઓળખાતો બળવંતસિંહ ભગવાનસિંહ પરમાર 'ચાલ તને મમરા બિસ્કીટ લઇ આપુ અને તારા પપ્પા પાસે ખેતરમાં મુકી આવુ તેમ કહી પટાવી ફોસલાવી ભગાડી ગયો હતો.

  આ અંગે વડુ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ થયો હતો. બળવંતસિંહ પરમાર અગાઉ પાદરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં લાંબો સમય ફરાર રહ્યા બાદ ઝડપાયો હતો જેથી બાળકી સાથે કોઇ અઘટિત કૃત્ય ના કરે તે માટે ગુનાની ગંભીરતા જોઇ એલસીબીના પીઆઇ ડી.બી. બારડ તેમજ  પીએસઆઇ જે.ડી. સરવૈયાએ તપાસ હાથ ધરી હતી. પોલીસની વિવિધ ટીમો દ્વારા અપહરણ થયેલી કિશોરીને શોધી કાઢવા માટે ત્રણ દિવસથી ઘનિષ્ઠ તપાસ હાથ ધરાતી હતી ત્યારે બળવંતસિંહ કિશોરીને લઇને ચાલતા ચાલતા પાદરાથી ભીમપુરા ચોકડી ઉપર કેનાલવાળા રસ્તે થઇ આવે છે તેવી બાતમીના આધારે અંપાડ ગામની સીમમાં ગોપાલ ફાર્મની પાસેથી બળવંતસિંહને કિશોરી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

  પોલીસે તેની પૂછપરછ કરતા બદકામ કરવાના ઇરાદે કિશોરીનુ અપહરણ કર્યા બાદ ખેતરમાં તેમજ નારેશ્વર ખાતે મંદિરે અને તેના ફોઇના ઘેર રાકાયો હતો તેમ જણાવ્યુ હતું તેમજ કિશોરી સાથે કોઇ અઘટિત કૃત્ય ન હોવાનું બંનેએ જણાવ્યુ હતું. પોલીસે ૧૧ વર્ષની કિશોરીને માતા-પિતાને સુપરત કરી હતી.

(10:20 pm IST)