Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ટેકનિકલ કોર્સ ચલાવતી ૧૨૧ સંસ્થામાં ૧૫ ટકાનો ફી વધારો

પાંચથી લઇ મહત્તમ ૧૫ ટકા સુધીનો વધારો મંજૂર : ફી નિર્ધારણ કમીટી(ટેકનીકલ) દ્વારા ફીનું માળખુ નક્કી કરાયું : ૪૩૪ સંસ્થાઓમાં ફીમાં કોઇપણ વધારો નહી

અમદાવાદ,તા.૧૧ : રાજયમાં સ્વનિર્ભર ધોરણે વિવિધ ટેકનીકલ વ્યવસાયિક અભ્યાસક્રમો ચલાવતી સંસ્થાઓમાં પ્રવેશ વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ના ત્રિવાર્ષિક ગાળા માટે ફી રેગ્યુલેટરી કમીટી(ટેકનીકલ) દ્વારા ફી નિર્ધારણ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. રાજયની કુલ ૬૧૩ સંસ્થાઓની ફી નક્કી કરવાની દરખાસ્ત ફી નિર્ધારણ સમિતિ(ટેકનીકલ)ને મળી હતી, જેની પુખ્ત વિચારણાના અંતે સમિતિએ હયાત ૫૭૪ સંસ્થાઓ પૈકીની ૧૨૧ સંસ્થાઓને ફીમાં મહત્તમ ૧૫ ટકા સુધીનો વધારો આપ્યો હતો, એટલે કે, મંજૂર કર્યો હતો. જે કુલ સંસ્થાઓના ૨૧ ટકા જેટલો થાય છે. આશરે ૨૬૦ જેટલી સંસ્થાઓની જાહેર કરાયેલ પ્રોવીઝનલ ફી કરતાં આખરી ફીમાં ઘટાડો થયો છે. ૪૩૪ જેટલી સંસ્થાઓમાં ફી માં કોઇ જ વધારો કરાયો નથી. જયારે ૧૯ જેટલી સંસ્થાઓની ફીમાં ઘટાડો કરાયો છે. કુલ ૬૧૩ પૈકી ૧૦ સંસ્થાઓ વર્ષ ૨૦૧૭-૧૮ માટે નો એડમીશન ઝોનમાં હોઇ તે સંસ્થાઓની ફી નક્કી કરવામાં આવી નથી. સંસ્થાઓની રજૂઆતો અને ચર્ચા વિચારણના અઁતે તેમ જ વીઝીટ સ્કોર અને સંસ્થાઓ દ્વારા માળખાકીય સવલતો અંગે થયેલ રોકાણ સહિતના પાસાઓને ધ્યાનમાં લઇ પ્રત્યેક સંસ્થાની વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૧૯-૨૦ સુધીનું ફી માળખુ ફી નિર્ધારણ કમીટી(ટેકનીકલ) દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું, જે અંગે ફી નિર્ધારણ કમીટી(ટેકનીકલ)ના સભ્ય જૈનિક વકીલે જણાવ્યું હતું કે, ફી કમીટીને રાજયની કુલ ૬૧૩ સંસ્થાઓ તરફથી ફી અંગેની દરખાસ્ત મળી હતી. જેમાં જે ૧૨૧ સંસ્થાઓમાં ફી વધારાની મંજૂરી આપવામાં આવી છે, તેમાં ૩૧ સંસ્થાઓને માત્ર પાંચ ટકાની મર્યાદામાં ફી વધારો કરી અપાયો છે, ૪૧ સંસ્થાઓને પાંચથી દસ ટકાની મર્યાદામાં પાંચથી ૧૦ ટકા સુધીની મર્યાદામાં ફી વધારો કરી અપાયો છે જયારે ૪૯ સંસ્થાઓમાં દસ ટકાથી મહત્તમ ૧૫ ટકા સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય ૨૯ નવી-પ્રોગ્રામ ફરીથી ચાલુ કરાયેલ કે અન્ય સંસ્થાઓ માટે ફકત વર્ષ ૨૦૧૭-૧૮ની જ ફી નક્કી કરાઇ છે. આળી સંસ્થાઓએ વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ની ફી નક્કી કરાવવા માટે તા.૧-૬-૨૦૧૮ સુધીમાં સમિતિને ફરીથી ૨૦૧૭-૧૮ના હિસાબો સાથેની દરખાસ્ત રજૂ કરવાની રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ફી નિર્ધારણ સમિતિ સમક્ષ રજૂ થયેલી દરખાસ્તમાં અમુક સંસ્થાઓએ તો, ૨૦૦ ટકા સુધીનો ફી માં વધારો માંગ્યો હતો પરંતુ સમિતિએ તમામ પાસાઓ ધ્યાનમાં લઇ તટસ્થ રીતે નિર્ણય કર્યો છે. સમિતિએ સંસ્થાઓ માટે જે તે વર્ષની નિયત કરેલ ફી, જે તે વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને જ લાગુ પડશે. સમિતિએ નિર્ધારિત કરેલ ફી માળકામાં ટયુશન ફી, લાયબ્રેરી ફી, લેબોરેટરી ફી, કોમ્પ્યુટર ફી, કોષન મની, જીમખાના ફી, ઇન્ટરનેટ, યુનિવર્સિટી એફીલેશન ફી, સ્પોર્ટસ અને રિક્રિએશન સેલ્ફ અને પર્સનાલિટી ડવેલપમેન્ટ ફી જેવી અન્ય ફીનો સમાવેશ થાય છે. સમિતિ દ્વારા નિર્ધારિત ફી ઉપરાંત ફકત જે તે યુનિવર્સિટીને ભરવાપાત્ર ફી સિવાય અન્ય કોઇપણ ફી કે ડિપોઝીટ સંસ્થા વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી શકશે નહી. જે સંસ્થાઓ આ કાયદાકીય જોગવાઇનો ભંગ કરશે તેઓની વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી  હાથ ધરવામાં આવશે.

 

(8:13 pm IST)