Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

રીક્ષામાંથી ગઠિયા ૩૪ લાખના ઘરેણાની તફડંચી કરીને ફરાર

શટલ રીક્ષામાં મુસાફરોને લૂંટવાના વધતા બનાવ : રાજકોટના જવેલર સીજી રોડ ઉપર દાગીનાની ડિલીવરી આપવા આવ્યા હતા તેમજ શટલ રીક્ષામાં બેસી ઠગાયા

અમદાવાદ,તા. ૧૧ : શહેરમાં શટલ રીક્ષામાં બેસવુ કે મુસાફરી કરવી હવે સલામત રહી નથી. છેલ્લા ઘણા સમયથી શટલ રીક્ષામાં બેઠેલા મુસાફરોને પેસન્જરના સ્વાંગમાં બેઠેલી ટોળકીના સભ્યો ચપ્પાની અણીએ લૂંટી લેવાના તેમ જ નજર ચૂકવીને તેમના માલસામાન કે દરદાગીનાની ચોરી કરવાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના એક જવેલર અમદાવાદમાં સીજી રોડ પર દાગીનાની ડિલીવરી આપવા આવ્યા હતા અને તેઓ ઇસ્કોન સર્કલથી શટલ રીક્ષામાં બેઠા ત્યારે પહેલેથી જ તેમાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ત્રણ ગઠિયાઓએ આ જવેલરની બેગમાંથી રૂ.૩૪ લાખના દાગીના તફડાવી ફરાર થઇ ગયા હતા. જવેલરે રીક્ષાચાલકને પકડવાના પણ બનતા પ્રયાસ કર્યા હતા પરંતુ તેમાં તેઓ સફળ થયા ન હતા અને આખરે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટમાં જનતાનગરની શેરીમાં રહેતા અને જવેલર્સની દુકાન ધરાવતા મુકેશભાઇ જમનાદાસ પાટડિયા ઓર્ડરની સોનાના દાગીના બનાવવાનાનું કામકાજ કરે છે. સીજી રોડ વિસ્તારમાં આવેલ એક જવેલર્સના માલિકે લાખો રૂપિયાના દાગીના બનાવવાનો ઓર્ડર મુકેશભાઇને આપ્યો હતો. ગઇકાલે મુકેશભાઇ સોનાના દાગીનાની ડિલીવરી આપવા અમદાવાદ આવ્યા હતા અને તેમને સીજી રોડ જવાનું હતુ, તેથી તેઓ બસના રાહ જોતા ઉભા હતા પરંતુ બસ આવવામાં વાર હોવાથી તેઓ શટલ રીક્ષામાં બેઠા હતા. જો કે, તેમાં પહેલેથી જ ત્રણ શખ્સો મુસાફરોના સ્વાંગમાં બેઠેલા હતા. થોડીવાર બાદ મુકેશભાઇને પેસેન્જરોના સ્વાંગમાં બેઠેલા ત્રણેય મુસાફરોની હરકત શંકાસ્પદ જણાતાં તેઓ ઇસરો પાસે ઉતરી ગયા હતા અને એ વખતે રીક્ષાચાલકને પૈસા આપવા બેગ ચેક કરી ત્યારે થોડી હલકી જણાતાં તેમને ખ્યાલ આવ્યો કે, બેગમાંથી દાગીના ઓછા થયા છે, જેથી તેમણે એક પેસેન્જરને પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ રીક્ષાચાલકે પૂરપાટઝડપે રીક્ષા દોડાવી મૂકી હતી, જેના કારણે મુકેશભાઇ જમીન પર પટકાયા હતા.

જો કે એ પછી પણ મુકેશભાઇએ એક બાઇકચાલકને ઉભો રાખી તેની મદદથી રીક્ષાનો પીછો કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં આરોપીઓ ફરાર થઇ ગયા હતા. બાદમાં મુકેશભાઇએ પોતાની બેગ(થેલા)ની તપાસ કરતાં તેમાંથી રૂ.૩૪ લાખની કિંમતના દાગીનાની ચોરી થઇ હોવાનુ જણાયું હતું, જેથી તેમણે આ બનાવ અંગે સેટેલાઇટ પોલીસમથકમાં અજાણ્યા ત્રણ પેસેન્જરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(8:11 pm IST)