Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

બનાસકાંઠાના અંબાજી ચેક પોસ્ટ ઉપર પોલીસ કર્મચારી ઉપર કાર ચડાવીને હત્યાનો પ્રયાસ : સોશ્યલ મિડીયામાં વિડીયો વાયરલ થતા ખળભળાટ

બનાસકાંઠા,તા.૧૧ : બનાસકાંઠા જીલ્લાના અંબાજી ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારી ઉપર કાર ચડાવી  દઇને તેની હત્યાનો પ્રયાસ થતા ખળભળાટ મચી ગયો છે આ આખી ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ અંબાજી નજીકની હદાડ ચેકપોસ્ટ પાસે પોલીસ કર્મચારીઓ વાહનોનુ ચેકીંગ કરી રહયા હતા ત્યારે પુરપાટ ઝડપે બોનેટ તુટેલી હાલતમાં આવેલી કારને રોકતા કાર ચાલકે કાર ધીમી કરી દીધી હતી.

ત્યારબાદ ચેકપોસ્ટનું બેરિકેટ પાર કરતાની સાથે જ કાર (નં.જી.જે. ૩૧ એ ૮૭૪૯) ના ડ્રાઇવરે કાર પોલીસ કર્મચારી ઉપર ચડાવીને નાશી છૂટયો હતો.

આ ઘટના બાદ ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને હોસ્પિટલે ખસેડાયેલ છે. જયારે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે કાર ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.

(7:22 pm IST)