Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

બજાજ ફાયનાન્સના નામે બે ગઠિયા નાપાવાંટામાં રીક્ષા લઇ ફરાર

બોરસદ:તાલુકાના નાપાવાંટા નારપુરા ખાતે રહેતા એક રીક્ષા ચાલકને ઘેર બજાજ ફાયનાન્સના કર્મચારી બનીને આવેલા બે ગઠિયાઓ તમારી રીક્ષાની લોનના હપ્તાઓ બાકી પડે છે તેમ જણાવીને રીક્ષા લઈને ફરાર થઈ જતાં બોરસદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને બન્ને ગઠિયાઓને વર્ણનના આધારે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી ગણપતભાઈ શંભુભાઈ ઠાકોરે મુળ સૈજપુરના પરંતુ હાલમાં આણંદ ખાતે રહેતા પ્રફુલ્લભાઈ ગલાભાઈ ઠાકોર પાસેથી સાતેક મહિના પહેલાં બજાજ ફાયનાન્સ કંપનીના બાકી ૨૯ હપ્તાઓ ભરવાની શરતે રીક્ષા ખરીદી હતી. છેલ્લાં ત્રણેક માસથી તેઓ હપ્તા ભરી શક્યા નહોતા.દરમ્યાન ગત ૨૯મી ડિસેમ્બરના રોજ ગણપતભાઈ રીક્ષાને ઘર આગળ પાર્ક કરીને પુત્રી પ્રિયા બિમાર હોય કાકાની રીક્ષામાં પત્ની મીનાબેન સાથે દહેમી ગામે દવાખાને ગયા હતા.
દરમ્યાન બે અજાણ્યા શખ્સો ૨૫ થી ૨૮ વર્ષની ઉંમરના તેમના ઘરે આવ્યા હતા અને ગણપતભાઈના દાદા ડાહ્યાભાઈને જણાવ્યું હતુ કે, અમો બજાજ ફાયનાન્સમાંથી આવ્યા છીએ અને તમારી રીક્ષાના સાતેક જેટલા હપ્તાઓ બાકી પડી છે. જેથી અમે રીક્ષા લેવા માટે આવ્યા છીએ તેમ કહીને ચાવીની માંગણી કરતાં ડાહ્યાભાઈએ ચાવીઓ આપી દીધી હતી જેથી બન્ને જણાં રીક્ષા લઈને ત્યાંથી જતા રહ્યા હતા. દવાખાનેથી પરત ફરેલા ગણપતભાઈએ રીક્ષા ના જોતા દાદાને પુછ્યું હતુ જેમણે બજાજ ફાયનાન્સ કંપનીવાળા લઈ ગયા છે તેમ જણાવ્યું હતુ જેથી તેઓ આણંદ ખાતે આવેલી બજાજ ફાયનાન્સની કંપનીએ તપાસ કરવા માટે ગયા હતા જ્યાં કંપની દ્વારા તેમણે કોઈ માણસો મોકલ્યા નહીં હોવાનું તેમજ તેમના ગોડાઉનમાં પણ આવી કોઈ રીક્ષા જમા નહીં થયાનું જણાવ્યું હતુ. જેથી પોતે આબાદ ઠગાયા હોવાનું લાગતાં જ બોરસદ રૂરલ પોલીસ મથકે જઈને બન્ને વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે છેતરપીંડીનો ગુનો દાખલ કર્યો હતો.

(6:37 pm IST)