Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

બંધ ફેક્ટરીમાંથી ચોરી કરેલ સમાન વેચવા જતા પાંચ શખ્સોને પોલીસે અંકલેશ્વર નજીકથી અટકાવ્યા

બારડોલી:બંધ ફેક્ટરીમાંથી ચોરી કરેલો સામાન ટેમ્પામાં ભરીને અંકલેશ્વર ખાતે વેચવા જતાં પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમાં બે શખ્સો અગાઉ વીજ ટ્રાન્સફર્મર તોડી ચોરી કરવામાં ઝડપાયેલા હતા.

સુરત એલસીબીના ઈનચાર્જ પી.આઈ. પી.એન.ઝીંઝુવાડિયા પોતાના સ્ટાફ સાથે બાતમી આધારે ને.હા.નં. ૪૮ પર ધામડોદ પાટીયા પાસે વોચ ગોઠવી હતી. તે સમયે ટેમ્પો (નં.- જીજે- ૫- વાયવાય- ૬૦૦૮) અને બાઈક એક સાથે આવતા અટકાવ્યા હતા. પોલીસે ટેમ્પા અને બાઈક પર બેઠેલા મહમદ આમીનગની મહમદ પઠાણ (ઉ.વ.૩૨, હાલ રહે-કીમ ચાર રસ્તા, રોયલ પાર્ક એપાર્ટમેન્ટ, તા. માંગરોળ), કરણ દ્રારીકાપ્રસાદ પાલ (ઉ.વ.૨૬, હાલ રહે-કીમ, ગણેશનગર), ઋષિકેશ નંદકુમાર સીંગ (ઉ.વ.૩૬, હાલ રહે-પીપોદરા, તા. માંગરોળ), મહેકુજ ઉર્ફે આલમ મકસુદ આલમ શેખ (ઉ.વ.૪૦, હાલ રહે-કોઠવા દરગાહ ફળિયું, તા. માંગરોળ) અને નિસાર અહમદ નક્કી મહમદ ખાન (ઉ.વ.૨૭, હાલ રહે-કીમ ચાર રસ્તા, રોયલ પાર્ક એપાર્ટમેન્ટ) ને ઝડપી લીધા હતા. પોલીસે પાંચેની સઘન પુછતાછ કરતા બે દિવસ અગાઉ ને.હા.નં. ૪૮ પર અંકલેશ્વરથી કીમ તરફ આવતા રોડ પર બંધ હાઈટેક નામની કંપનીમાંથી પાછળથી એલ્યુમીનીયમના કોપ્સોની ચોરી કરી હતી. જે સામાન કોથળામાં ભરી ટેમ્પામાં મુકી કીમ ખાતે સંતાડી રાખેલો હતો. જે મુદ્દામાલ અંકલેશ્વર ખાતે વેચવા જતા હોવાની કબુલાત કરી હતી. પોલીસે પાંચેયની ધરપકડ કરી એક લાખનો ટેમ્પો અને રૃ. ૧૯,૮૦૦ નો એલ્યુમીનીયમ કોપ્સનો જથ્થો તથા રૃ. ૨૫૦૦૦ ની સુઝુકી બાઈક મળી કુલ રૃ. ૧,૪૪,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પકડાયેલા પાંચેય શખ્સોમાંથી ઋષિકેશ સીંગ અને નિસાર ખાન અગાઉ વીજ ટ્રાન્સફર્મરની ચોરી કરવાના ગુનામાં પકડાયેલા હતા. પોલીસને પાંચેયની પુછપરછમાં ચોરીના અન્ય ગુના ઉકેલાવાની આશા છે.

(6:36 pm IST)