Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

યુરિયાની તંગીના કારણે ઠાસરા-ગળતેશ્વરના ખેડૂતોને હાલાકી

ખેડા:જિલ્લામાં અનેક તાલુકાઓમાં યુરિયાની તંગી ઉડીને આંખે વળગી રહી છે. જેથી શિયાળુ પાકમાં તેની માઠી અસર વર્તાવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જેના કારણે ધરતીપૂત્રોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. કિસાનો સાથે અન્યાય થઈ રહ્યો હોવાની લોકચર્ચાઓએ પણ જોર પકડયું છે. તો બીજીતરફ રાજકીય નેતાઓ પણ આ ઘટનામાં કૂદી પડી રાજકીય રોટલા શેકી રહ્યાં છે. ત્યારે આ કપરી પરિસ્થિતિને દૂર કરવા માટે ખેડૂતોએ વિક્રેતાઓ અને કંપનીઓ સમક્ષ માંગ કરી છે.

શિયાળુ પાક વાવણીની સિઝન પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ઠાસરા અને ગળતેશ્વરમાં નર્મદા અને સરદાર ખાતરની તંગીએ ખેડૂતોને મુશ્કેલીમાં મુકી દીધા છે. ઠાસરા અને ગળતેશ્વરમાં આ વર્ષે ઓછા પ્રમાણમાં ખાતર આયાત કરવામાં આવ્યું છે.

આ બંને તાલુકાઓમાં કિસાનોએ મોટા પ્રમાણમાં ઘઉં અને તમાકુનું વાવેતર કર્યું છે. જે માટે તેમને જરૃરિયાત પુરતું ખાતર ન મળતું હોવાની બૂમ ઉઠી રહી છે. છેલ્લા ૧૦ દિવસથી ભૂમિપૂત્રોને ખાતર મળતું બંધ થયું છે. જેના કારણે તેમના ઉભા પાકને પોષક તત્ત્વો મળી રહ્યાં નથી. તેથી પાક નિષ્ફળ જાય અથવા ગુણવત્તાસભર પાકનું ઉત્પાદન ન થાય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. જેના કારણે ખેડૂત વર્ગ ચિંતામાં મૂકાયો છે. પોતાના પાકને નુકશાન થાય તેમજ તેમને યોગ્ય ભાવ ન મળે તે અર્થે કિસાનો ચિંતાતુર બન્યા છે.

(6:35 pm IST)