Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સત્તા પહેલા ભાજપ કહે મંદિર વહીં બનાયેંગે, સત્તા પછી ભાજપ કહે મંદિર નહિ બનાયેંગે

બેવડા ધોરણોને ફટકારતા ડો.મનીષ દોશીઃ મંદિર માટેના નાણાનો હિસાબ માંગ્યો

અમદાવાદ તા.૧૧ : કોંગ્રેસ પક્ષ સર્વધર્મ સમભાવમાં માને છે અને ધર્મ અમારા માટે શ્રદ્ધા અને આસ્થા છે. જયારે ભાજપ માટે ધર્મ એ વેપાર અને સત્તા મેળવવા માટેનું સાધન છે. રામ મંદિર માટે શ્રદ્ધા અને આસ્થા સાથે ઇંટ અને નાણા આપનાર દેશના લાખો શ્રદ્ધાળુ ભાઇ-બહેનોની શ્રદ્ધા અને લાગણીઓ સાથે નોટ અને વોટ માટે રમત રમનાર-છેતરપીંડી કરનાર ભાજપ અને ભાજપની ભગીની સંસ્થાઓ જવાબ આપે તેવી માંગ કરતા ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યુ હતુ કે, ભાજપ માટે હંમેશા રામ રાગ સત્તા મેળવવાનુ સાધન રહ્યુ છે. ભાજપના અયોધ્યાના પુર્વ સાંસદ રામવિલાસ વેદાંતીએ પણ સ્પષ્ટપણે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, રામ મંદિરના નામે ભાજપ માત્ર અને રાજકીય રોટલી શેકી રહી છે. ભાજપની ભગીની સંસ્થાઓએ રામ મંદિર નિર્માણ માટે એકત્ર કરેલ ૧૪૦૦ કરોડ રૂપિયાનો હિસાબ રામ જન્મભુમિ માટે લડત લડી રહેલા નિર્મોહી અખાડાએ માંગ્યો છે ત્યારે ભાજપ કેમ મૌન છે ?

ચૂંટણી દરમ્યાન ભાષણોમાં 'કસમ રામ કી ખાતે હૈ મંદિર વહી બનાયેંગે' અને જયારે સત્તા મળી ગયા બાદ 'કસમ રામ કી ખાતે હૈ મંદિર નહી બનાયેંગે' તેવી નીતિ અને નિયત ભાજપની રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશમાં રામ રાજયની સ્થાપનાની વાત કહી હતી. કોંગ્રેસ પક્ષ પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારો સાથે સહમત છે. રામ રાજયની સ્થાપનાની પરિકલ્પના એટલે સદ્દભાવ, સુશાસન અને તમામને ન્યાય જે કોંગ્રેસ પક્ષ ઇચ્છે છે તે ડો.મનીષ દોશી જણાવે છે.

(4:32 pm IST)